નર્મદા : ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાનાં નિવેદનોને લઇને હંમેશાં ચર્ચામાં રહે છે. તાજેતરમાં એમને એક નનામો પત્ર મળ્યો હતો. જેમાં મોટા મોટા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે તમામ રાજકીય પક્ષના નેતાઓ હપ્તો લેતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. જેમાં કોંગ્રેસ, આપ સહિત ભાજપના નેતાઓના નામનો ઉલ્લેખ કરેલો હતો.

જે આક્ષેપોના વિરોધમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવાને જાહેરમંચ પર ચર્ચા કરવાની ચેલેન્જ ફેંકી હતી. જે પડકારને ઝીલીને મનસુખ વસાવાએ ઓપન ચર્ચા માટે સ્થળ નક્કી કર્યું છે, અને દરેક સવાલના જવાબ આપવાની આવત કરી છે, ત્યારે ભાજપ સાંસદ અને AAP ધારસભ્યના વાકયુદ્ધથી હાલ નર્મદા જિલ્લાનું રાજકારણ ખૂબ જ ગરમાયું છે.

મનસુખ વસાવાએ ટ્વીટ કરી કહ્યું છે કે, આમ આદમી પાર્ટીના નેતાઓ અને ચૈતર વસાવા દ્વારા અનેક આરોપ મૂકીને જનતાને ગુમરાહ કરવાનું કાર્ય થાય છે, ચૈતર વસાવા દ્વારા ચેલેન્જ કરેલ ઓપને ડિબેટ કરવા અર્થે હું તારીખ 1 એપ્રિલ 2023 શનિવારનાં રોજ રાજપીપળાના ગાંધી ચોક પર 10 વાગ્યે હાજર રહીશ. જેમને કોઈ પણ પ્રશ્ન હશે તે બધાનો જવાબ મળશે. આ માટે હું પત્રકાર મિત્રોને પણ આમંત્રણ આપું છું.

હવે જોવાનું એ રહ્યું કે તમામ આક્ષેપો અંગે ચર્ચા થશે કે નહીં.

શું ચૈતર વસાવાના પ્રશ્નોના મળશે સીધા જવાબ?

આવતી કાલે 10 વાગ્યે કોણ રહેશે હાજર અને કોણ કરશે પીછે હઠ?