ધરમપુર: હું નહિ પણ ગાંધી વિચારના મુલ્યો સાથે ગ્રામ વિકાસના રચનાત્મક કામો બોલશે એવું કહેતા લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબાના સ્થાપક શ્રી નિલમભાઈ ખોબાના કાર્યક્ષેત્ર ખોબા ગામ પર બનેલ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ “ખોબા ધ ટ્રાયબલ વિલેજ” ને કલાકારી ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મળ્યો છે.

કવન બ્રહ્મભટ્ટ અને જૈત્ર જોશીએ બનાવેલી આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ‘ખોબા ધ ટ્રાયબલ વિલેજ’ ભારત સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સિલેક્ટ થઈ ગઈ છે. કુલ સાત દેશોમાં આ ફિલ્મ સિલેક્ટ થઈ, જેમાં કેનેડા, જાપાન, ઈટલી, યુકે, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં પણ સિલેક્ટ થઈ ગઈ છે.

Decision News સાથે વાત કરતાં લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અજય પટેલ જણાવે છે કે સંસ્થાના સંસ્થાપક નીલમભાઈએ જે વર્ષોથી રચનાત્મક કામો કર્યા છે તે તપની આ ફળશ્રુતિ છે કે આજે ‘ખોબા’ દેશ વિદેશની ધરતીના લોકોના માનસ પટ પર છવાઈ ગયું છે. કવન બ્રહ્મભટ્ટ અને જૈત્ર જોશી જે અમદાવાદના નવ યુવાનો છે એમણે પણ આ શોર્ટ ડોકયુમેન્ટરી પાછળ પોતાનો સમય મહેનત અને પરસેવો પાડ્યો છે જેનું ફળ એમને પણ મળ્યું છે. સંસ્થા વતી હું એમને ધન્યવાદ પાઠવું છુ કે તેમણે વિશ્વ ફલક ખોબા ગામનું નામ ગાજતું કર્યું.