મુંબઇ: વિશ્વના 10 માંથી 9 સૌથી વધુ પ્રદુષિત મહાનગરો ધરાવતા દક્ષિણ એશિયામાં દર વર્ષે 20 લાખ લોકો વાયુ પ્રદુષણના કારણે કમોતે મરે છે. હાલમાં જ મુંબઇ મહાનગરપાલિકાએ બહાર પાડેલા આંકડા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં મુંબઇમાં વાયુ પ્રદુષણથી થતાં બ્રોન્કાઇટિસ (શ્વાસનળીના સોજા), અસ્થમાં અને ન્યુમોનિયાથી કુલ ૧૩૪૪૪ મૃત્યુ નોંધાયા છે.

મુંબઇના વાયુ પ્રદુષણ વિશે વધુ માહિતી આપતા બોરિવલીના એક પલ્મોનોલોજિસ્ટ (ફેફસાની બિમારીઓના નિષ્ણાત) કહે છે કે મુંબઇના એર પોલ્યુશનમાં તાજેતરમાં પ્રચંડ વધારો થયો છે. તળ મુંબઇ, ઉપનગરો અને નવી મુંબઇને વાયુ પ્રદુષણ રંજાડી રહ્યું છે. બીજી તરફ, આપણે સવારના ઠંડક અને બપોરના સખત ગરમી જેવી વિચિત્ર મોસમનો અનુભવ કરી રહ્યા છીએ. ખાસ કરીને બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ અને વડીલોને વાયુ પ્રદૂષણની માઠી અસર થાય છે. આવા સમયે હાર્ટ, કેન્સર અને કોવિડના દર્દીઓ પર વધુ જોખમ રહે છે.

સેન્ટર ફોર સાયંસ એન્ડ એન્વાયર્નમેન્ટ (CSE)એ 2020માં મુંબઇની આસપાસના ૪ મોટા ઔદ્યોગિક વિસ્તારો થાણેની ખાડી, તળોજા, અંબરનાથ અને ડોમ્બિવલીના એસેસમેન્ટ કર્યા બાદ પોતાના અભ્યાસમાં એવો રિપોર્ટ આપ્યો હતો કે મુંબઇ મેટ્રોપોલિટન રિજનમાં કાર્બનનો મોટાપાયે ઉપયોગ હવાની કથળતી જતી ગુણવત્તાનું એક મુખ્ય કારણ છે.