ગુજરાત: ગામડાઓમાં તલાટીઓની નિયમિત ગેરહાજરીના કારણે વેરાની વસૂલાત નબળી અને ગ્રામજનોની ફરિયાદોનું નિરાકરણ નહીં થવાથી લોકોએ જિલ્લા પંચાયતના ધક્કા ખાવા પડતા હોય છે જેને લઈને હવે તલાટીઓએ રોજ હાજરી પત્રકમાં સહી કરવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે DDO દ્વારા આખરે તલાટીઓની ગામમાં ગેરહાજરી મુદ્દે TDOની પણ જવાબદારી નિયત કરવામાં આવી છે. સરકારની વાંવારની સુચના છતાં તે બાબતે ધ્યાન આપવામાં આવતું નથી. તલાટીઓ હાજરી પત્રક નિભાવતા નથી. તેની હાજરીની ચકાસણી પણ થતી નથી. તેથી તલાટીઓ દરરોજ પત્રકમાં સહી કરીને હાજરી પુરે અને તેની સામે સરપંચની પણ સહી કરાવે. આકસ્મિક કારણથી પરચૂરણ રજા લેવાની થાય તો TDO ને ફોનથી અથવા વોટ્સઅપ કરીને જાણ કરે તેવી સુચના ટીડીઓએ તમામ તલાટીને આપવાની રહેશે.

તલાટીઓએ દરેક ગ્રામ પંચાયત સંબંધે મુવમેન્ટ રજીસ્ટર પણ નિભાવવાનું રહેશે. જ્યારે તલાટીએ કચેરીના કામથી બહાર જવાનું થાય ત્યારે તેમાં ફરજીયાત નોંધ કરવાની રહેશે. તેવા કિસ્સામાં તલાટીના મોબાઇલ નંબર સાથે નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધિ પણ કરવાની સુચના TDOએ આપવાની રહેશે. દર ૧૫ દિવસે તાલુકા વિકાસ અધિકારીએ હાજરી પત્રક અને મુવમેન્ટ રજીસ્ટરની ચકાસણી કરીને તેમાં પોતાની સહી કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે.