દિલ્હી: ગતરોજ સુપ્રીમ કોર્ટે અદાણી વિવાદ મુદ્દે રોકાણકારોના હિતો જાળવવા માટે સ્ટોક માર્કેટમાં નિયમનકારી બાબતોને મજબૂત કરવા માટે નિષ્ણાતોની સૂચિત પેનલ અંગે કેન્દ્ર સરકારનું સીલબંધ કવરમાં નામો આપવાનું સૂચન ફગાવી દીધું છે.

હિન્ડનબર્ગના અહેવાલ પછી શેરબજારમાં અદાણી ગૂ્રપની કંપનીઓમાં આવેલા કડાકાના પગલે રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપની માગણી કરતી ચાર અરજીઓ થઈ હતી. આ અરજીઓની સુનાવણી વખતે કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, શૅરબજાર માટે નિયામકીય તંત્ર મજબૂત કરવા નિષ્ણાતોની સમિતિની રચના કરવાની દરખાસ્ત અંગે તેને કોઈ વાંધો નથી. કેન્દ્ર સરકારે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના અધ્યક્ષપદે બેન્ચને જણાવ્યું હતું કે રોકાણકારોના વ્યાપક હીતોને જોતા તે નિષ્ણાતોની સમિતિ બનાવવા માટે નિષ્ણાતોના નામ અને તેમના કાર્યક્ષેત્રની માહિતી એક સીલબંધ કવરમાં આપવા માગે છે.

સુપ્રીમ કોર્ટે ગતરોજ સુનાવણીમાં કેન્દ્ર સરકારનું સૂચન માનવાનો ઈનકાર કરતાં કહ્યું કે સુપ્રીમ કોર્ટ પોતે જ સમિતિ બનાવશે તેમ કહ્યું હતું. CJI ચંદ્રચૂડે કહ્યું કે, સૂચનો સીલબંધ કવરમાં અપાયા છે. આ નામો અરજદારોને જણાવીને તેમનો મત લેવો જરૂરી છે. અમે સંપૂર્ણ પારદર્શીતા ઈચ્છીએ છીએ. અમે આ સૂચનોનો સ્વીકાર કરીએ તો તેને સરકાર તરફથી નિયુક્ત સમિતિના રૂપમાં જોવામાં આવશે, જે અમે નથી ઈચ્છતા. અમે નથી ઈચ્છતા કે પક્ષપાતના આરોપ થાય. તેથી અમે પોતે જ સમિતિની રચના કરીશું. આ સાથે બેન્ચે સરકાર અને અરજદારો બંને તરફથી સૂચવાયેલા નામો પર વિચાર કરવાનો ઈનકાર કરી દીધો હતો.

ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું, સમિતિની રચના અંગેનો નિર્ણય તમે અમારા પર છોડી દો. આ સાથે પીએસ નરસિંહા અને જેબી પારડીવાલાને સમાવતી બેન્ચે સૂચિત પેનલના સંચાલનનું નિરીક્ષણ કોઈપણવર્તમાન ન્યાયાધીશની દેખરેખ હેઠળ કરવાની સંભાવનાઓ પણ નકારી કાઢી હતી.