ગણદેવી: કળા જીવનમાં અનેક રંગો ભરે છે અને કલાકાર સમાજના વિવિધ રંગોને પોતાની કળા દ્વારા પ્રસ્તુત કરી સમાજને નવી દિશા આપવામાં સમર્થ છે. પરંતુ સમાજને અનેક ચિત્ર શિક્ષક અને ઉમદા કલાકાર આપનાર નવસારીના અમલસાડની બી. એ. મહેતા કલા મહાવિદ્યાલય આજે વિદ્યાર્થીઓની સતત ઘટતી સંખ્યા અને પ્રાધ્યાપકોની ભરતી ન કરી, ઉપેક્ષા કરતી સરકારને કારણે બંધ થવાને આરે પહોંચી છે.
દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટાના બાળકોને કળા થકી પગભર કરવાની ખેવના સાથે વર્ષ 1963માં અમલસાડ ગામના જ કલાગુરૂ જશુભાઈ નાયકના પ્રયાસોથી બી. એ. મહેતા કલા મહાવિદ્યાલયનો પ્રારંભ થયો હતો. પેન્ટિંગ, એપ્લાઇડ આર્ટ અને ATD (ચિત્ર શિક્ષક) ના કોર્ષ માટે દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં અમલસાડ આર્ટ કોલેજે નામના મેળવી હતી. એક સમયે અહીં ચિત્ર શિક્ષક અને અન્ય અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પડાપડી થતી જે આજે નથી થતી. જેનું કારણ કળાને રાજ્ય સરકાર થકી જે પ્રોત્સાહન મળવુ જોઈએ એ મળવાનું બંધ થયુ છે.
સરકારી અનુદાનિત આર્ટ કોલેજમાં સરકાર દ્વારા પ્રાધ્યાપકોની ભરતી વર્ષોથી થઈ નથી. જેના કારણે કોલેજના પ્રાધ્યાપકો નિવૃત્ત થતા થતા આજે 12 વર્ગો માટે પ્રભારી આચાર્ય સાથે 4 જ પ્રાધ્યાપકો રહી ગયા છે. જેમાં પણ બે પ્રાધ્યાપકો આગામી મે મહિનામાં નિવૃત્ત થશે એટલે કોલેજ બે પ્રાધ્યાપકોની જવાબદારી થશે. હાલ કોલેજમાં ATD, એપ્લાઇડ આર્ટ અને પેન્ટિંગ મળી 142 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તો બે પ્રાધ્યાપકો કેવી રીતે એમના પર પૂરતું ધ્યાન આપી શકશે. જેથી આવતા શૈક્ષણિક સત્રમાં આર્ટ કોલેજ જ બંધ થાય એવી સ્થિતિ બની છે.
અમલસાડ વિભાગ કેળવણી મંડળ સંચાલિત અને સરકારી અનુદાનિત બી. એ. મહેતા કલા મહાવિદ્યાલય કાર્યરત રહે એવા પ્રયાસો મંડળ દ્વારા પણ થઈ રહ્યા છે. ત્યારે સરકારનો શિક્ષણ વિભાગ પ્રાધ્યાપકોની ભરતી કરે, તો વિદ્યાર્થીઓને કલા શિક્ષણ મેળવવામાં મુશ્કેલી ન પડે. કારણ નવસારી સહિત ડાંગ, સેલવાસ, ધરમપુર, તાપી જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓ માટે ચિત્રકારી થકી જીવન ખેડવાનો પાયો નાંખનાર આર્ટ કોલેજે ભૂતકાળમાં અનેક રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના ચિત્રકારો આપ્યા છે.
જો સરકાર ATDના વિદ્યાર્થીઓને સરકારી શાળામાં ચિત્ર શિક્ષક તરીકે લેવાનું આયોજન કરે અને એપ્લાઇડ આર્ટ અને પેન્ટિંગના વિદ્યાર્થીઓને પણ સમાજ અને સરકાર તરફથી યોગ્ય પ્રોત્સાહન મળી રહે, તો બંધ થવાની કગાર પર આવેલી અમલસાડ આર્ટ કોલેજ ફરી ધબકતી થાય એમ છે.
ગુજરાત સરકાર ખેલ મહાકુંભ અને કલા મહાકુંભ થકી વિદ્યાર્થીઓની પ્રતિભાને ખીલવવા પ્રયાસ કરે છે, પરંતુ કલા પ્રત્યે સરકારની અનદેખી રાજ્યમાં ચાલતી 16 આર્ટ કોલેજોમાંથી 14 ને બંધ કરાવી ચૂકી છે. સરકાર પ્રાધ્યાપકોની ભરતી કરી કાર્યરત રાખે એવી લાગણી કલા જગતમાંથી ઉઠવા પામી છે.