ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાની સરસિયા કોલેજમાં આચાર્ય ડો.સંજયભાઈ પટેલનાં યજમાનપદે તાલુકાકક્ષાનો 36માં રાષ્ટ્રીય ખેલકૂદ મહોત્સવનું કેમપેઈન અને CELEBRATING UNITY THROUGH SPORTS” અંતર્ગત ગુજરાતનાં ખેલાડીઓમાં જાગૃતિ કેળવાય રમતગમતની પ્રવૃત્તિઓથી પ્રેરણા મળે તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ખેલાડીઓ આગળ વધે તેવા આશયથી કાર્યક્રમ યોજાયો.

ઉલ્લેખનીય છે કે છેલ્લે કેરળમાં 2015માં રાષ્ટ્રીય કક્ષાનો ખેલકૂદ મહોત્સવ યોજાયો હતો. સાત વર્ષ પછી ગુજરાતમાં યોજાનાર કાર્યક્રમ માટે સમગ્ર ગુજરાતમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી,નવસારી સીતાબેન પટેલ અને મહેમાનોમા નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ પટેલ, ખેરગામ મામલતદાર જીતેન્દ્રભાઈ સોલંકી, તાલુકા વિકાસ અધિકારી રાહુલભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રક્ષાબેન પટેલ, તાલુકા ભાજપા પ્રમુખ ચુનીભાઇ પટેલ, અંકુરભાઈ શુક્લ, માજી ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ સંપતભાઈ પટેલ, ખેરગામ તાલુકા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ મિન્ટેશ પટેલ, પ્રવક્તા કીર્તિ પટેલ, બક્ષીપંચ મોર્ચા પ્રમુખ દિનેશભાઇ વાડ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમમાં ખેરગામ અને વાંસદા તાલુકામાં પ્રથમ, દ્વિતીય,તૃતીય આવનાર વિદ્યાર્થીઓનું વિવિધ મહાનુભાવોનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને ખોખો, કબડ્ડી, સંગીત ખુરસી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. અને રાષ્ટ્રીય ખેલકૂદ મહોત્સવનાં મેસ્કોટનું અનાવરણ કરવામાં આવેલ હતું. સુફિયાન ચૌધરી દ્વારા ફિટ ઇન્ડિયાની સપથ લેવડાવવામાં આવ્યા અને કાર્યક્રમની આભારવિધિ ડો.બિપીનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી.