ઉમરગામ: ગતરોજ ઉમરગામમાં લગભગ 50 લાખ રૂપિયાની કચરાપેટીનો GEM પોર્ટલ પર ઓર્ડર આપી અમુક  ગામડાઓની પંચાયતોમાં નાની કચરાપેટી આપી દીધાની ઘટના બહાર આવતા મોટો ભ્રષ્ટાચાર થયાની ગંધ આવવાનું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

ભ્રષ્ટાચાર વિના પારદર્શક રીતે ખરીદી પ્રક્રિયા પૂર્ણ થાય એવા ઉદ્દેશથી GEM પોર્ટલના માધ્યમથી ઉમરગામ તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા 50 લાખથી વધુ રકમની કચરાપેટીની ખરીદી કરવામાં આવી હતી પણ એવા દ્રશ્યો સામે આવ્યા છે કે અમુક ગામોમાં ઓડર પ્રમાણે ની નહિ અને તેના કરતા નાની કચરાપેટી આપવામાં આવી છે જેને લઈને લોકો આક્રોશમાં છે. અને હવે અધિકારીઓ એક બીજા ઠીકરાં ફોડી રહ્યા છે.

દિવ્યભાસ્કર અહેવાલ મુજબ ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી અક્ષયસિંહ રાજપુત કહે છે કે GEM પોર્ટલ ઉપર એજન્સીને આપવામાં આવેલા ઓર્ડર કરતા નાના કદની કચરાપેટી ડિલિવરી કરતા તમામ કચરાપેટીને સ્વિકારવામાં આવેલી નથી. જેને રિપ્લેસ કરવા માટે જણાવ્યું છે જે માટે તલાટીઓને તાત્કાલિક સૂચિત કર્યા હતા. જ્યારે પ્રમુખ તાલુકા પંચાયતના રમેશભાઈ ધાંગડા જણાવે છે કે કચરાપેટી મોકલવામાં એજન્સીએ થાપ ખાધી છે. આજ દિન સુધી તેનું કોઈપણ પ્રકારનું ચુકવણું કરવામાં આવેલું નથી. એજન્સી દ્વારા ઓર્ડર મુજબનો સામાન આપ્યા બાદ ચુકવણું કરાશે.