વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના નાનીભમતી હનુમાનબારી અને રાણીફળિયા ગામમાંથી શામળાજી નેશનલ હાઈવે બાયપાસ રોડની સર્વેની કામગીરીના મુદ્દે મળેલી બેઠકમાં લોકો મોટા પ્રમાણમાં એકઠા થયા હતા અને આવનારા સમયમાં આ મુદ્દે કેવી લડત ચલાવવી એ વિષે ચર્ચા કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ બેઠકમાં હાજરી આપેલા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે આ ચોર અને નાલાયક સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં અવનવી યોજના લાવી આદિવાસી લોકોને વિસ્થાપિત કરી દેવાની મેલી મુરાદને આપણે સૌ ભેગા મળીને ક્યારેય પૂરી ન થવા દઈશું. આ સર્વેની કામગીરી દરિમયાન જે ખૂંટા રોપવામાં આવ્યા છે એને ઉખાડીને ફેકી દો.. હવે આદિવાસી લોકો કોઇપણ પ્રકારના અન્યાય સામે લડવા સક્ષમ બની ગયા છે હવે આદિવાસી વિસ્તારોમાં સરકારની દાદાગીરી નહિ ચલાવી લેવાય એ નક્કી છે.

ડાંગ AAPના પ્રભારી ચિરાગ પટેલ કહ્યું કે પૈસા કાયદા મુજબ અને ગ્રામ સભાની મંજુરી વગર આદિવાસી વિસ્તારની એક પણ ઈચ જમીન સરકાર લઇ શકે નહિ આ બધા જ પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારમાંથી એટલા માટે કાઢવામાં આવે છે કે સરકારને જમીન સસ્તી પડે અને સરકારે વળતર ઓછુ ચુકવવું પડે એ માટે ફક્ત ને ફક્ત આવા પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારોમાંથી જ લાવવામાં આવે છે  જે બાબતે 18 આદિવાસી સમાજના લોકો રેલી કાઢીને વિરોધ નોંધાવશે.

આ બેઠકમાં માનનીય ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ, ડાંગ AAPના પ્રભારી ચિરાગ પટેલ તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ હનુમાનબારી, રાકેશભાઈ સરપંચ હનુમાનબારી, જીતુભાઈ સરપંચ નાનીભમતી, વિનુભાઈ માજી સરપંચ નાનીભમતી અને આસપાસના ગામોના મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.