ડૉકટરમન: હું વિશાલ.. હું અને મારી આત્મા, મારા જુના ઘરની યાદો સાથે એટલી સંકળાયેલી છે કે જ્યાં સુધી ગામની માટીની સુંગંધ ના લઉ ત્યાં સુધી ઊંઘ નથી લઇ શકતો.. આજે સવારે ઘરે ગયો.. ગામના બાળકોને લખોટી રમતા જોયા અને મારા બાળપણની યાદો મારી આંખો સામે આવી ગઈ.. આ બાળકો સાથે લખોટીએ રમ્યો.. અને બાળકોને રમતાં રમતાં બાળકોની ખુશી જોતાં શાળાના શરુ થઇ ગયેલા વેકેશન યાદ આવ્યું અને હું મારા બાળપણના સંસ્મરણોમાં ખોવાયો…
યાદ આવે છે મને એ દફતર લઈને દોડવું, તૂટેલી ચપ્પલ જોડવું, નાસ્તાના ડબ્બાઓ, ખોબે ખોબે પીવાતું પાણી, રીસેશની વિશેષ ઉજવણી, ઘુટણીએ પડતા આછા ઘા, ગામની ગલીઓમાં અસંખ્ય ફેરા, વરસાદમાં ભરપુર પલળવું, ખુલ્લા પગે રખડવું, બોર આમલીના ચટકા, પીઠ પર માસ્તરના ફટકા, ના ટયુશન ના ટેન્શન, ભલે નાનું હતું પણ આપણું રાજપાટ હતું માં બાપના આંગણામાં જ ઠાઠબાઠ હતું
તમને ખબર છે પહેલાના સમયમાં વેકેશનનું નામ પડે એટેલ મામાનું ઘર યાદ આવતું. આજે આ બધુ જ વિસરાઈ ગયું છે. આજનું વેકેશન ઘરની ચાર દીવાલોની અંદર મોબાઈલ ફોને લઈ લીધું, એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસ આ બધાની વચ્ચે વેકેશનનાં એ જૂના દિવસો ક્યાં ખોવાઈ ગયાં ખબર જ ના પડી.
બાળપણમાં આપણે કેવા વેકેશનની મોજ માણતા. ત્યારે ગામડામાં એ બાળપણ ક્યારે વીતી જતું ખબર જ ન પડતી. આજે એવું થાય કે કાશ ફરીથી એ બાળપણમાં દિવસો પાછા આવી જાય. આજે વેકેશન પડે એટલે માબાપ પોતાના બાળકોને એકસ્ટ્રા ક્લાસ શરૂ કરાવી દઈ છે, એ કેમ ભૂલી ગયાં કે વેકેશન એ બાળકોનો સમય છે, આ દિવસો તેના બાળપણનાં સમયને માણવાનાં છે. ત્યારે તેઓ પોતાના બાળકોને આપવો જોઈએ અને તેમણે જૂની રમતો અને પોતાના વતને લઈ જવા જોઈએ જ્યાં તમે તમારુ બાળપણ વિતાવ્યું હોય. હા! વેકેશન માત્ર બાળકો માટે જ નહીં પણ બધાને લાગુ પડે છે કારણ કે આ સમયમાં એકબીજાની સાથે રહીને આનંદ માણી શકીએ. ત્યારે ચાલો આપણે આજે એ જૂની રમતોને યાદ કરીએ જે આપણે પહેલાં રમતા. આજે આ રમતોનું સ્થાન ઓનલાઈન ગેમ લઈ લઈ લીધું છે. પણ ખરી મોજ તો આ રમતો દોસ્તો સાથે રમવાની મોજ આવે એ આજની પબજી ગેમમાં પણ નો આવે… આ વેકેશનમાં એ જૂની રમતોને યાદ કરી ફરી એકવાર બાળપણની યાદોમાં જઇએ.
એ.. ગિલ્લીડાડી, ક્રિકેટ, નગોલ, થથ્પો દા, ડબો ડૂલ, લખોટી , નદી –પર્વત, ઈંડાકૂકડી, ગબી ખાડો, ભીતિયો, કલરે કલર કેવો કલર, સાક્ડ, શૉટ-ગો, એક પકડાતાં બે, ચોર પૉલિશ, અને એમાં પણ એ બાડપણની સૌથી મજેદાર રમત એટલે “ ઘર-ઘર” વગેરે હું જાણું છું તમે આ રમતો નામ વાચીને તમને તમારા જૂના દિવસો યાદ આવી જ ગયાં હશે કારણ કે બધાં લોકોએ પોતાના સમયમાં આ રમતો રમી જ હશે.
આજે પણ બાળકો આ રમતો ગામડાંમાં હજુ રમતાં જોવા મળે પણ શહેરમાં તો બસ ગલીમાં નકરા ભાઈબંધોનું ટોળું બેઠું હશે પણ ફોનમાં ખોવાયેલા હશે, હા બધાં સાથે પણ હશે પણ ખુદમાં ખોવાયેલા હશે. આ વાચીને કેહશો કે આજે ઘણુંબધુ બદલાઈ ગયું છે, પણ એ ખોવાઈયું નથી બસ એ જૂની યાદો, જૂની રમતો, જૂના દિવસોને આપણે એક પેટીમાં પૂરીને રાખ્યા છે ત્યારે ચાલો એ બોક્સને અનબોક્સ કરીને લાઈફ માણીએ..
ડૉ. વિશાલ પટેલ.

