વલસાડ: હાલમાં જ વલસાડના એક સાપ્તાહિકના તંત્રી અને અન્ય 3 વિરૂધ્ધ સિટી પોલીસે સુરત રેન્જ અને જિલ્લા પોલીસની માનહાનિ કરવાના મુદ્દે શુક્રવારે તંત્રીની ધરપકડ કરાઈ હતી ત્યાર બાદ શનિવારે ચીફ જ્યુડિશ્યલ કોર્ટમા એડિશનલ ચીફ જ્યુ.મેજિસ્ટ્રેટ સમક્ષ રિમાન્ડ માટે રજૂ કરાતા કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા અને આરોપી તરફથી કરવામાં આવેલી  જામીન અરજી કોર્ટે મંજૂર કરીને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.

પોલીસ ફરિયાદમાં સાપ્તાહિકમાં સુરત રેન્જ અને વલસાડ જિલ્લા પોલીસ વિરૂધ્ધ 7 એપ્રિલના અંકમાં પ્રોહિબિશન અંગેના અહેવાલમાં તંત્રી પૂણ્યપાલ શાહ, તેમના બે કાકા અનિલ શાહ અને જયંતિભાઇ શાહ વિરૂધ્ધ અપ્રમાણિક લાભ લેવા અને પોલીસ તથા પ્રજા વચ્ચે અવિશ્વાસ અને વૈમન્સ્ય ફેલાવવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે આ ઘટનાને લઈને પત્રકારોના વર્તુળમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે.

વલસાડના ચીફ જ્યુડિશ્યિલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં એડિશનલ ચીફ જ્યુ.મેજિસ્ટ્રેટ ડી.કે.ચંદનાણી સમક્ષ રિમાન્ડ માટે રજૂ કરાયેલા સાપ્તાહિકના તંત્રીની કોર્ટે પોલીસની રિમાન્ડ માગણી નામંજૂર કરી અને જ્યારે તંત્રી તરફે જામીન મુકવામાં આવતા કોર્ટે જામીન મંજૂર કરી તેમને છુટકારો આપ્યો હતો.