આજરોજ મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટેના  જસ્ટિસ કેએમ જોસેફ અને હૃષિકેશ રોયની બેન્ચે એક ચુકાદામાં સ્પષ્ટતા કરી છે કે ગર્ભાવસ્થા દરમિયાન જો કોઈ મહિલા તેના સાસરિયાઓને બદલે તેના માતા-પિતા સાથે રહે તો તે છૂટાછેડાનું કારણ બની શકે નહીં.

સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, ‘એ સ્પષ્ટ છે કે અરજદારની પત્ની ગર્ભવતી હતી. જેથી તે તેના માતા-પિતાના ઘરે ગઈ હતી. આ એક સામાન્ય વસ્તુ છે એમાં છૂટાછેડા ન મળી શકે. આ નિર્ણયની સાથે જ કોર્ટે અરજીકર્તાને પૂર્વ પત્નીને 20 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા જણાવ્યું હતું.

આ કેસ તમિલનાડુનો છે. જેમાં અરજદારે 1999માં લગ્ન કર્યા હતા. આના થોડા સમય બાદ તેની પત્ની ગર્ભવતી થતાં તે તેના માતા-પિતા પાસે ગઈ હતી. ત્યાં તેના બાળકનો જન્મ ઓગસ્ટ 2000માં થયો હતો. દરમિયાન ફેબ્રુઆરી2001માં તેના પિતાનું અવસાન થયું હતું. જેના કારણે તે વધુ સમય માટે સાસરે જઈ શકી ન હતી.તેના આધારે પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. આ ઉપરાંત ઓક્ટોબર 2001માં બીજા લગ્ન કર્યા. ફેમિલી કોર્ટે 2004માં તેના છૂટાછેડા મંજૂર કર્યા હતા. પરંતુ પત્નીની અપીલ પર સુનાવણી કરતા મદ્રાસ હાઈકોર્ટે આ નિર્ણયને પલટી નાખ્યો હતો. આ પછી પતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.