દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

બારડોલી: સુરતના બારડોલી નગરમાં આવેલ પ્રાથમિક કન્યાશાળામાં દાતાઓ તરફથી અવાર નવાર મદદ કરી વિદ્યાર્થીનીઓને વધુ અભ્યાસ માટે સુવિધા પૂરી પાડી હંમેશા પ્રોત્સાહિત કરવામાં આવે છે. ત્યારે હાલમાં જ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને માતા કે પિતા ન હોય, એવી શાળામાં ભણતી 50 દીકરીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું.

દિવ્યભાસ્કરમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર અમેરિકામાં સ્થાયી થયેલ અને ટી.એ.એફ.ના સભ્ય અરુણભાઈ પટેલ હંમેશા બારડોલીની પ્રાથમિક કન્યા શાળામાં અભ્યાસ માટે આવતી દિકરીઓને અભ્યાસ માટે સુવિધા પૂરી પાડવા તૈયાર રહે છે. દિવાળી તહેવારોમાં દર વર્ષે શાળામાં અભ્યાસ કરતી 710 દીકરીઓને મીઠાઈ આપવામાં આવે છે. ઉપરાંત શાળામાં ઓપન એસેમ્બલી હોલ પણ પોતાના ખર્ચે બનાવી સુવિધા આપી હતી. કોરોના કાળમાં 6 વિદ્યાર્થીનીઓના વાલીઓનું મરણ થયું હોય, ત્યારે પણ વિદ્યાર્થીનીઓને અભ્યાસમાં ખલેલ નહિ થાય તે માટે દરેક વિદ્યાર્થીનીઓને 10 હજારનો ચેક આપવામાં આવ્યો હતો.

તાજેતરમાં શાળામાં અભ્યાસ માટે આવતી 50 જેટલી દીકરીઓમાં કોઇની માતા, કે પિતા મરણ ગયેલ હોય, આવી દીકરીને અભ્યાસ માટે સ્કૂલે આવવા જવામાં સરળતા રહે માટે 2 લાખ રૂપિયાની 50 સાયકલો લાવી માતા પિતા વગરની દીકરીઓને સાઈકલની સુવિધા આપી છે.