ડાંગ: હાલમાં બહુલક આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારમાં ભાડા પેટે જમીન લઈને ગેરકાયદેસર ઈંટનાં ભઠાઓ બંધ કરવા બાબતે આહવા તાલુકા પંચાયતનાં સામાજિક ન્યાય સમિતિનાં અધ્યક્ષે પ્રાંત અધિકારી ડાંગને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું.

આહવા તાલુકા પંચાયતનાં સામાજિક ન્યાય સમિતિનાં અધ્યક્ષ દીપકભાઈ પીંપળેએ ડાંગ જિલ્લા પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે ડાંગ જિલ્લાનાં મોટા ભાગનાં ગામડાઓમાં પરપ્રાંતીય શખસો દ્વારા ગેરકાયદેસર રીતે ઈંટનાં ભઠ્ઠાઓ ચલાવવામાં આવે છે. આ ભઠ્ઠાઓને પગલે વાતાવરણમાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે તેમજ 73 એએ નિયત્રંણ હેઠળ ખેતીનાં જમીનોમાં આ ભઠ્ઠાઓ ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યાં છે. જેના પગલે ખેતીનાં જમીનનો પણ બગાડ થઈ રહ્યો છે. સાથે આ ભઠ્ઠાઓને પગલે ખેતીનાં જમીનમાં આવેલા વૃક્ષોને પણ મોટાપાયે નુકસાન થઈ રહ્યાં છે.

આમ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં કાયદેસરની ચકાસણી કરવામાં આવે તો મોટાપાયે ગેરકાયદેસર ચાલતા ઈંટનાં ભઠ્ઠાઓ મળી આવતા ઈંટનાં ભઠ્ઠાઓને સત્વરે બંધ કરાવી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા આવે જેથી ખેતી લાયક ફળદ્રુપ જમીનને બચાવી શકાય.