ખેરગામ: ગતરોજ ખેરગામ ચિંતુબાનો છાંયડો હોસ્પિટલના સંચાલક ડૉ નિરવ ભુલાભાઇ પટેલ અને ડૉ. દિવ્યાંગી પટેલ દ્વારા પોતાના બાળકોના જન્મદિવસ અને માતાની સ્મરણાંજલિ નિમિતે પોતાની જ હોસ્પિટલમાં ખેરગામ ખાતે સતત બીજી વાર રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું.

આ પ્રસંગે ભુલાભાઇ, ડૉ કનુભાઈ પરમાર, ડૉ. પ્રદીપભાઈ ગરાસિયા, ડૉ. નરેન્દ્રભાઈ ગજ્જર,અરવિંદભાઈ, મુસ્તાનભાઈ, કલ્પેશભાઈ ધરમપુર અપક્ષ સદસ્ય,અંકુરભાઈ, આસિફભાઈ પત્રકાર, હર્ષદભાઈ પત્રકાર, હિમાંશુભાઈ બિલીમોરા, દિપકભાઈ પત્રકાર, પ્રોફેસર નિરલભાઈ, મયુરભાઈ, ડૉ નીરવભાઈ ગાયનેક, ડૉ. પ્રિયેશભાઈ, આશિષભાઇ, કીર્તિભાઇ વગેરે અનેક મહાનુભાવોની હાજરીમા ખેરગામ જગવિખ્યાત કથાકાર માનનીય પ્રફુલ્લભાઈ શુક્લાના શુભહસ્તે તેમજ ખેરગામના જાણીતા ડૉ. પંકજભાઈ દ્વારા રક્ત આપી કેમ્પની શરૂઆત કરવામાં આવેલ હતી. જેમાં 72 જેટલી લોહીની બોટલો એકત્રિત થઈ હતી

મહત્વની વાત એ રહી હતી કે ફુલગુલાબી ઠંડીમાં સાંજના સમયે રક્તદાતાઓનો અભૂતપૂર્વ ધસારો રહ્યો હતો, જેને કારણે બિલીમોરા બ્લડ બેંકનો સ્ટાફ સવારથી સતત કેમ્પમાં જોતરાયેલો હોવાથી અને ધારવા કરતા રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉમટેલ હોવાથી નિર્ધારિત સમય કરતા કેમ્પ લાંબો ચાલેલ હોવાથી બ્લડબેગ ખૂટી પડેલ હોય, બ્લડબેન્કના સ્ટાફે આયોજક ડૉ. નિરવ ભુલાભાઇ પટેલને કાર્યક્રમ પૂરો કરવા વિનંતી કરતા, ડૉ. નિરવભાઈ દ્વારા બાકીના રક્તદાતાઓને સાભાર વિનંતી કરીને ના પાડવી પડેલ હતી. જેના લીધે રક્તદાન કરવા ઇચ્છુક રક્તદાતાઓએ નિરાશા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ડૉ. નિરવ ભુલાભાઇ પટેલે આટલો અભૂતપૂર્વ સહકાર આપવા બદલ આયોજનમાં મદદ કરનાર તમામ મિત્રો, સગા સંબંધીઓનો અને રક્તદાતાઓનો આભાર માનેલ હતો. અને ડૉ. નિરવભાઈ અને હોસ્પિટલ પરિવાર દ્વારા દરેક રક્તદાતાઓ અને મહાનુભાવોને ભેંટ સ્વરૂપે સ્ટ્રોબેરી અને કાજુના છોડ આપીને તમામ સ્નેહીજનોની જિંદગી ફળોની માફક સુમધુર અને લોકોપયોગી બને એવી શુભકામના વ્યક્ત કરેલ હતી.