ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા માતા ફળિયાના રેહવાસી ભીખુભાઈ વજીરભાઈ જેઓની પ્રકૃતિ પરની શ્રદ્ધા અને પોતાના હાથના જાદુથી અસંખ્ય લોકોના ઝેરી જાનવરના દંશથી જીવન બચાવનારનું ટૂંકી માંદગીબાદ અવસાન થતાં આસપાસના વિસ્તારોમાં શોકનો માહોલ સર્જાયો.

Decision Newsને મળેલી માહિતી અનુસાર રાનવેરીકલ્લા માતા ફળિયાના રેહવાસી ભીખુભાઈ વજીરભાઈ જેઓ ગણદેવી સુગરમાં શેરડી કટિંગ સુપરવાઈઝર તરીકેની ફરજ બજાવતા હતા. જેઓ વયમર્યાદાના લીધે નિવૃત્ત થયા હતા. સરળ શાંત અને પ્રેમાળ સ્વભાવના ભીખુભાઈ વજીરભાઈએ નિવૃત્તિ બાદનું જીવન લોકોની સેવામાં સમર્પણ કરવાનું સંકલ્પ લીધો હતો. એવું કહેવામાં આવે છે કે ભીખુભાઈ ડોક્ટરોને પણ માત આપે એવો હાથમાં જાદુ હતો. તેઓ દિવસ રાત જોયા વિના સેવા માટે તત્પર રહેતા હતા તેમની પાસે નવસારી, વલસાડ, ધરમપુર, કપરાડા, ડાંગ, તાપી જેવા અનેક જિલ્લાઓમાંથી લોકો સારવાર અર્થે આવતા હતા. તેઓ ઝેરી જાનવરોનાં દંશથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાનાર અનેક વ્યક્તિઓને ગણતરીની મિનિટમાં હરતા ફરતા કરી દેતા હતા.

ભીખુભાઈના અંતિમ શ્વાસના સમાચાર લોકોમાં વેહતા થતાં અનેક વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો ભીખુભાઈના નિવાસ્થાને પહોંચ્યા હતા અને બોહળી સંખ્યામાં લોકો તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા. આ દરમિયાન લોકોમાં ચર્ચા વહેતી થઈ હતી કે સેવાભાવી ભીખુભાઈ જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાનારને નવજીવન આપતા આવી સેવા કરશે કોણ ?