છોટાઉદેપુર: રાજ્યના છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશનાં ગુજરાત સરહદી વિસ્તારોમાં ખાસ કરીને દેવ દિવાળીનો તહેવાર સ્થાનિક આદિવાસી સમાજના લોકો દ્વારા ખુબ જ આસ્થા સાથે અને પરંપરાગત રીતે પૂજન કરી ઉજવવામાં આવ્યો હતો

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના વાલસિંહભાઈ રાઠવા પાણીબાર વાળાના જણાવ્યા અનુસાર અહીંના આદિવાસીઓ દેવ દિવાળીની ઉત્સાહ ભેર ઉજવણી કરતા હોય છે. આદિવાસીઓ હંમેશા પ્રકૃતિની પૂજા કરવામાં માને છે, પ્રકૃતિ એ જ પરમેશ્વર છે, પ્રકૃતિ હી જીવન એમ માનીને જેના વગર ખરેખર જીવન શક્ય જ નથી એવા ધરતીમાતા, આકાશ, પવન, અગ્નિ, પાણી આમ પાંચ તત્વો થકી જીવન અને સમગ્ર જીવ સૃષ્ટિ ટકી રહે છે જે સત્યને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોનારો સમાજ એટલે આદિવાસી સમાજ. અહીંના આદિવાસીઓ દિવાળીનો તહેવાર ખાસ કરીને ત્રણ દિવસ સુધી ઉજવતા હોય છે જેમાં ધાનતેરસથી શરૂ થઈને વાહી તહેવાર સુધી ચાલે છે.

આ વિસ્તારમાં દેવદિવાળી ગમે ત્યારે આવતી હોય પરંતુ ગામમાં સૌ સાજા માજા હોય અને ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ જ કેટલાક ગામોમાં ગુરુવારે (દેવે દેવ) કે કેટલાક ગામોમાં માં બુધવારે (ગુજરી) દેવ પૂજાતો હોય છે જે વર્ષો જૂની પરંપરા મુજબ હોય છે. જયારે પણ તહેવાર કરવાનો હોય ત્યારે ગામ લોકો ભેગા મળીને ગામ પટેલ, પુજારા અને ડાહ્યાની ઉપસ્થિતિમાં નક્કી કરાતુ હોય છે. આ તહેવાર સામુહિકતા જાળવીને ઉજવવામાં આવે છે.

BY નયનેશ તડવી