માનગઢ: રાજસ્થાનની રાજધાની જયપુરથી લગભગ 550 કિલોમિટર દૂર આદિવાસી વિસ્તાર બાંસવાડા જિલ્લાના મુખ્યમથકથી 80 કિલોમીટર દૂર માનગઢ વિસ્તાર આવેલો છે જ્યાં ૧૯૧૩ની સાલમાં ૧૭ નવેમ્બરે અમુક ઇતિહાસકારોના કહ્યા મુજબ જલિયાંવાલા બાગ હત્યાકાંડનાં છ વર્ષ પહેલાં ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા માનગઢના પહાડો પર આવો જ ૧૫૦૦ થી વધારે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભીલ આદિવાસીઓનો નરસંહાર થયો હતો.

માનગઢ નરસંહારમાં દોઢ હજારથી વધારે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભીલ આદિવાસીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવે છે. એવું કહેવાય છે કે માનગઢના ડુંગર પર હજારો લોકો એકઠા થયા હતા ત્યારે અંગ્રેજ અને દેશી રજવાડાંના સૈનિકોએ તેમના પર અણધડ ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો. આદિવાસી સમાજના આગેવાનો, સાહિત્યકાર, ઇતિહાસકાર અને સ્થાનિક લોકોનું કહેવું છે કે આ હત્યાકાંડ જલિયાંવાલા બાગથી મોટો નરસંહાર હતો તેમ છતાં ઇતિહાસમાં એના વિષે છુટા-છવાયા લખાણો જોવા મળે છે જે ખુબ જ દુઃખજનક છે.

એક સદીથી વધારે વર્ષો વીતી ચુકેલા આ નરસંહારનો સાક્ષી બનેલો ડુંગર આજેય તેની યાદને સમાવીને ઊભો છે. આદિવાસી લોકો માટે તે આજે માનગઢધામ બન્યું છે. છેલ્લા બે દશકામાં અહીં શહીદ સ્મારક, સંગ્રહાલય અને ત્યાં સુધી જવાનો રસ્તો બનાવવમાં આવ્યો છે. આજે પણ આ હત્યાકાંડ વિષે બહુ ઓછા લોકો જાણે છે.