ચીખલી: નવસારી જિલ્લા ભાજપ સ્નેહમિલન કાર્યક્રમમાં ચીખલીના સમરોલી ખાતે પધારેલ ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી સાંસદ સી.આર.પાટીલ ને નવસારી જિલ્લામાં વ્યાયામ અને કલા બેરોજગાર યુવાનોએ સી.આર. પાટીલને કાયમી ભરતી થાય તે માટે આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્રમાં નોંધાયા મુજબ સ્પોર્ટ્સમાં ગુજરાતના ખેલાડીઓ માટે ગૌરવનો ઢંઢેરો પીટ્તી ગુજરાત સરકાર છેલ્લા 13 વર્ષથી સ્કૂલમાં વ્યાયામ શિક્ષકની ભરતી કરતી ન હોવાનો લાયક બેકાર ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે. છેલ્લે વર્ષ 2007માં સ્કૂલોમાં વ્યાયામ શિક્ષકની ભરતી થઈ હતી એ પછી ભરતી કરવામાં સરકારની ભારે ઉદાસીનતા સામે આવી છે. દર વર્ષે ખેલ મહાકુંભ નામે લાખો રૂપિયાનો ધુમાડો કરી દેખાડો કરતી સરકાર સ્કૂલોમાં પૂરતા વ્યાયામ શિક્ષકોની ભરતી જ નથી. હાલમાં રાજ્યની સ્કુલમાં અંદાજે 90 ટકા જેટલા વ્યાયામ શિક્ષકોની ઘટ હોવાનો આક્ષેપો થયા છે.
રાજ્યમાં એક બાજુ ખેલ મહાકુંભ, ફીટ ઇન્ડિયા અને યોગ યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી રહી છે અને બીજી બાજુ રાજ્યની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા અનુક્રમે C.p.ed, B.p.ed, D.pi.ed, M.p.ed, P.h.d જોડે ચિત્ર-સંગીત જેવી લાયકાત ધરાવતા લાખો આશાસ્પદ યુવાનો સરકારી નીતિઓને કારણે બેરોજગાર છે.
ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની ભરતી થતી નથી. નવી શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે. તેમાં પણ યોગ્ય સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના વિષયને ફરજિયાત કરવામાં આવ્યો છે, છતાં ગુજરાત સરકાર હજુ ઘોર નિદ્રામાં છે. વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા અંગે ઉમેદવારીએ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી. આગામી સમયમાં સત્વરે ભરતી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ઉમેદવારોએ ચીમકી પણ વ્યક્ત કરી છે.

