નવસારી: ગણદેવી પોલીસ સ્ટેશનમાં એક 17 વર્ષીય સગીર છોકરાને રાત્રે ઘરેથી લઈ જઈ કથિત રીતે લાકડા અને હાથ વડે માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ સામે આવી છે. આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ચર્ચા અને આક્રોશ જોવા મળી રહ્યો છે.

ફરિયાદી મહિલા (નવીનભાઈ સુમનભાઈ પટેલની પત્ની)એ જણાવ્યું કે, તેમના પતિ વિરુદ્ધ મિલકત વિવાદ અંગે ગણદેવી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નં. 11822012240234/2026નોંધાયેલ છે. આ કેસમાં તેમના પતિ નવીનભાઈ સુમનભાઈ પટેલ આરોપી નંબર-2 છે. આરોપી નંબર-1 ગોવિંદભાઈ બુધાભાઈ પટેલને જામીન મળી ગયા છે, જ્યારે નવીનભાઈની જામીન અરજી હાલ પેન્ડિંગ છે.

ફરિયાદીએ વધુમાં જણાવ્યું કે, 02/052026 ના રોજ રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યે પોલીસની ટીમ તેમના પિયર (માતાના ઘર) આવી હતી. ત્યારે તેમના પુત્ર આયુષભાઈ નવીનભાઈ પટેલને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. બીજા દિવસે 03/05/2026 ના રોજ જ્યારે માતા પોલીસ સ્ટેશનમાં પુત્રને મળવા ગયા ત્યારે આયુષભાઈએ જણાવ્યું કે પોલીસ કર્મીઓએ તેને રાત્રે માર માર્યો હતો.

આયુષભાઈના કથન અનુસાર તેની એક આંખની આસપાસ સોજો અને કાળાશ પડી ગયેલી હતી. તેમના બંને હાથની હથેળીઓ અને પગમાં પણ લાકડા અને હાથ વડે મારવાના નિશાન હતા. ચાલવામાં તકલીફ પડતી હતી. માતાએ તરત જ તેને ગણદેવી અને ચીખલી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો.

ફરિયાદી મહિલા આદિવાસી સમુદાયના છે અને તેમણે આક્ષેપ કર્યો છે કે પોલીસ તરફથી તેમને ધમકી આપવામાં આવી હતી અને જ્ઞાતિ વિષયક અપમાનજનક વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેઓ અને તેમનો પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને આર્થિક રીતે ગરીબ છે. તેમણે કહ્યું, “અમે ઓછા ભણેલા અને કાયદાકીય જ્ઞાનથી અજ્ઞાન છીએ, તેથી અમને ન્યાય મળે તે માટે અધિકારીઓને અપીલ કરીએ છીએ.” આ ઘટનાની તપાસ હાલમાં ચાલી રહી છે. આદિવાસી સંગઠનો અને સ્થાનિક સામાજિક કાર્યકરોએ પોલીસ તરફથી સગીર પર કથિત અત્યાચારની તટસ્થ તપાસ અને દોષિત પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here