ખેરગામ: ગતરોજ ખેરગામ ગૌરી ગ્રામમંગલમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશ્રમશાળાના પ્રમુખ બિપિનભાઈ પટેલે આશ્રમશાળાના આચાર્યા લતાબેન પટેલ અને તેમના પતિ ગોકુળ પટેલ વિરુદ્ધ ખેરગામ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તારીખ ૦૮ મે ૨૦૨૬ના રોજ આશ્રમશાળાની આંબાકલમો પરથી ભૂતપૂર્વ આચાર્ય ગોકુળ પટેલ અને હાલના આચાર્યા લતાબેન પટેલે મજૂરો મારફત કેરી તોડાવીને ચોરી કરી હતી. આ કેરીઓ એક પિક-અપ ટેમ્પો (રજિસ્ટ્રેશન નં. GJ 21 Y 9964)માં ભરીને વેચવા મોકલી આપવામાં આવી હતી. બિપિનભાઈ પટેલને આ ઘટનાનો વીડિયો અને ફોટોગ્રાફ્સ મળતાં સમગ્ર બાબતની જાણ થઈ હતી.

ફરિયાદમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ પતિ-પત્ની લાંબા સમયથી આશ્રમશાળાની કેરીઓ ટ્રસ્ટ પ્રમુખની મંજૂરી વગર વેચીને તેની આવક પોતાના અંગત ખર્ચમાં વાપરી રહ્યાં છે. આશ્રમની મિલકતમાંથી મળતી આવકને ગરીબ બાળકોના કલ્યાણ અને આશ્રમની ભૌતિક સુવિધાઓ માટે વાપરવાની હતી, પરંતુ આ જવાબદાર વ્યક્તિઓએ તેને પોતાના અંગત લાભ માટે વાપરીને આશ્રમ તથા ગરીબ બાળકોને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.

બિપિનભાઈ પટેલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, “મહિલા આચાર્યા અને તેમના પતિ ગોકુળ પટેલ દ્વારા કરવામાં આવેલ આ ચોરીનું કૃત્ય ગરીબ બાળકોના હક અધિકારો પર સીધી તરાપ છે. આચાર્યા તરીકે તેઓએ ગરીબ બાળકોના હિત માટે કાર્ય કરવું જોઈએ, પરંતુ તેઓ આવક હોવા છતાં બાળકોના હક્ક છીનવી રહ્યાં છે. તેઓને આની શરમ આવવી જોઈએ.” ખેરગામ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બની છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here