ડાંગ: જિલ્લાનાં દક્ષિણ વનવિભાગમાં આહવા પૂર્વ રેંજ વિભાગનાં સ્ટાફે બાતમીનાં આધારે ગેરકાયદેસર ઇમારતી લાકડાનો જથ્થો ભરેલ ટાવેરા ગાડીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અસામાજિક તત્વોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ.નિલેશભાઈ પંડયાએ માર્ગદર્શન હેઠળ આહવા પૂર્વ રેંજનાં આર.એફ.ઓ રાહુલ પટેલ સહિતની ટીમે તેઓનાં હદ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. તે અરસામાં આહવાથી ચીંચલી માર્ગનાં કલમવિહીર બીટનાં મુરૂમબારી નજીકથી GJ-19-M-3560 નંબરની ટાવેરા ગેરકાયદેસર ઇમારતી લાકડાની તસ્કરી કરી રહ્યાની બાતમી દક્ષિણ ડાંગ વન વિભાગનાં પૂર્વ રેંજનાં આર.એફ.ઓ રાહુલ પટેલને મળી હતી.આ બાતમીનાં આધારે આહવા પૂર્વ રેંજનાં આર.એફ.ઓ રાહુલભાઈ પટેલની ટીમ દ્વારા કલમવિહીર જંગલ વિસ્તારમાં સઘન વોચ ગોઠવી હતી.

ત્યારે ગતરોજ આ શંકાસ્પદ ટાવેરાને ઉભી રાખી વનવિભાગની ટિમ દ્વારા ચેકીંગ કરતા ટાવેરા ગાડીમાંથી પાસ પરમીટ વગરનાં ગેરકાયદેસર સાગી ચોરસા. નંગ-04 જે અંદાજીત 0.147 ઘનમીટરનો મુદામાલ કબ્જે કર્યો હતો. હાલમાં આહવા પૂર્વ રેંજની ટીમ દ્વારા ટાવેરા સહિત લાકડાનો જથ્થો કબ્જે કરી આરોપી નામે વિજયભાઈ ભાલચંદભાઈ નાયકની અટકાયતમાં કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

ડાંગ જિલ્લાનાં દક્ષિણ વનવિભાગ દ્વારા કલમવિહીર બીટમાંથી ઝડપી પડાયેલ ગેરકાયદેસર લાકડાનો જથ્થો તથા ટાવેરા ગાડી ડાંગ ભાજપાનાં ડોન વિસ્તારનાં દિગ્ગજ નેતાની હોવાની લોકચર્ચાએ જોર પકડતા ચર્ચાએ આ ચોરીની ઘટનાએ નવો વળાંક આપ્યો છે.