ડાંગ: દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના ગામડાઓમાં સતત બીજા દિવસે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પંથકોમાં પાણીની રેલમછેલ ફરી વળી:-ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે અંબિકા નદીને સાંકળતા 10થી વધુ અને ખાપરી નદીને જોડતા પાંચથી વધુ નીચાણવાળા કોઝવે નદીનાં ઊંડા પાણીમાં ગરક થતા 25થી વધુ ગામડાઓનું જનજીવન પ્રભાવિત થયુ હતુ.

Decision Newsને મળેલી માહિતી મુજબ રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી મહેરે તાંડવ કરતા સર્વત્ર રેલમછેલનાં દ્રશ્યો રેલાયા છે. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સોમવારે સાંજનાં અરસાથી વરસાદી માહોલ જામતા નદી,નાળા, વહેળા, ઝરણાઓ ગાંડાતુર બની વહેતા થયા હતા. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે અંબિકા, ગીરા, ખાપરી, પુર્ણા નદીઓ ગાંડીતૂર બની બન્ને કાંઠે વહેતી થઈ હતી. મંગળવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ, આહવા, સાકરપાતળ, માંળુગા, વઘઇ, ભેંસકાતરી, ઝાવડા, બરડીપાડા, કાલીબેલ, સુબિર, પીપલાઈદેવી, સિંગાણા, ચીંચલી, સહિત સરહદીય અને પૂર્વપટ્ટીનાં પંથકોમાં સવારથી જ સમયાંતરે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.

ધોધમાર વરસાદનાં પગલે સતત બીજા દિવસે પણ ડાંગના જાહેર માર્ગો સહીત અંતરીયાળ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જિલ્લાનું ગિરિમથક સાપુતારાનાં નીચાણવાળા કેચમેન્ટ વિસ્તારમાં મંગળવારે ધોધમાર વરસાદનાં પગલે પ્રથમ વખત અંબિકા નદીમાં રેલ આવી હતી. અંબિકા નદીમાં રેલ આવતા શામગહાન, ભૂરાપાણી સહિત નદી કાંઠાનાં ગામોમાં આદિવાસીઓનાં ઘરોમાં પાણી ભરાયા હતા. સાથે નદી કિનારે આવેલ ડાંગરનાં ક્યારડાઓને ગાંડોતૂર પુર ઘસડી જતા ખેડૂતોને જંગી નુકસાન થયુ હતુ. સાપુતારા પંથકમાં ધોધમાર વરસાદનાં પગલે મોડી સાંજે ઘોડવહળ કોઝવે, સૂપદહાડ કોઝવે, આહેરડી કોઝવે, ચીખલદા કોઝવે, સુસરદા કોઝવે, ભૂરાપાણી કોઝવે, ચીરાપાડા કોઝવે, બોરીગાવઠા કોઝવે, માનમોડી કોઝવે અંબિકા નદીનાં ધસમસતા પ્રવાહમાં ગરક થઈ જતા 20થી વધુ ગામડાઓ વહીવટી મથકેથી સંપર્ક વિહોણા બની પ્રભાવિત બન્યા હતા.