કચ્છમાં જુદા-જુદા કૃષિ વિષયક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભચાઉ તાલુકાના ગુણાતીતપુરમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિષયક કાર્યક્રમ અંતર્ગત શેઠીયા ફાર્મની મુલાકાત લીધી હતી. અહીં તેમણે જીવામૃત બનાવવાની પદ્ધતિ વગેરેનું નિરીક્ષણ કરીને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.

આ કાર્યક્રમમાં રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવીને કૃષિલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના કારણે જમીન વધુમાં વધુ બિન ઉપજાઉ અને ઝેરી બનતી જાય છે. તેમજ જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ પણ ઘટતું જાય છે. તેથી તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાનો અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂજના રેલડી ગામે સ્ટ્રોબેરીનો છોડ રોપી પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કરાવ્યો હતો. અહીંના આશાપુરા ઓર્ગેનિક ફાર્મમાં પાંચ એકર જમીનમાં 1.5 લાખ સ્ટ્રોબેરીના છોડનું જીવામૃતથી સિંચન કર્યું હતું. આમ કચ્છમાં પહેલી વખત પ્રાકૃતિક આધારિત સ્ટ્રોબેરી તૈયાર થશે. આ ઉપરાંત રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી આધારીત ટામેટા અને કેળાંના પાકનું અવલોકન અને જીવામૃત પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. અને ખેડૂતો પાસેથી આ પ્લાન્ટ વિશે વિગતવાર માહિતી મેળવી હતી.