ડાંગ: દક્ષિણ ગુજરાતના જિલ્લાના ગામડાઓમાં હાલમાં ધોધમાર વરસાદ તૂટી પડતા પાણીની રેલમછેલ ફરી વળી છે ત્યારે ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદનાં પગલે સુબીર તાલુકાનાં ઢોંગીઆંબા ગામમાં લોકોનાં ઘરમાં પાણી ભરાય ગયા હોવાનું જણાવા મળ્યું છે.
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે ડાંગમાં ગતરોજ ગિરિમથક સાપુતારા, શામગહાન, બોરખલ, આહવા, ચીંચલી, હારપાડા, ગારખડી, લવચાલી, સુબીર, સિંગાણા, બરડીપાડા, મહાલ, કાલીબેલ, ઝાવડા, ભેંસકાતરી, વઘઇ, સાકરપાતળ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા પાણી- પાણી થઇ ગયું હતું અને સુબીર તાલુકાનાં ઢોંગીઆંબા ગામમાં તો ઘણાં લોકોનાં ઘરમાં પાણી ભરાયાની માહિતી છે જેના કારણે ઘરવખરી સામાનને જંગી નુકસાન થયાની વિગતો સાંપડી છે.
ડાંગ જિલ્લામાં ગતરોજ વરસેલા ભારે વરસાદના પગલે પૂર્ણા, ખાપરી, ગીરા અને અંબિકા નદીઓ ગાંડીતૂર બની વહેતી હોવાનું લોકોનું કહેવું છે જેના કારણે નદીની આસપાસ રહેતા લોકોનું જનજીવન પણ અસ્તવ્યસ્ત થયાનું જણાય છે.

