ભારતને વધુ 2 મેડલ મળ્યા છે, મનીષ નરવાલે મિક્સ્ડ 50 મીટર પિસ્ટલ એસ એચ 1 નિશાનબાજીમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. જ્યારે 39 વર્ષીય સિંહરાજસિંહ અડાનાએ સિલ્વર મેડલ જીત્યો છે. 19 વર્ષના નરવાલે પેરાલિમ્પિકમાં રેકોર્ડ બનાવતા 218.2 સ્કોર કર્યો છે. જ્યારે અડાનાએ 216.7 અંક બનાવીને એક સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. બંને હરિયાણાના ફરીદાબાદના નિવાસી છે. રશિયન ઓલિમ્પિક સમિતિના સર્જેઈ માલિવેશે 196.8 અંક સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ પહેલા ક્વૉલીફાઇંગ રાઉન્ડમાં અડાનાએ 536 અંક સાથે ચોથા અને નરવાલ 533 અંક સાથે સાતમા નંબર પર હતો. ભારતનો આકાશ 27 નંબર પર રહ્યો હતો, જેનાથી તેને ફાઇનલમાં સ્થાન મળ્યું ન હતું.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના પદકની સંખ્યા 15 થઈ ગઈ છે. ભારતે અત્યાર સુધી ત્રણ ગોલ્ડ, સાત સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ટોક્યો પેરાલિમ્પિકમાં નિશાનબાજીમાં ભારત પાંચ પદક જીતી ચૂક્યું છે. 19 વર્ષીય અવનિ લેખરાએ એક ગોલ્ડ અને એક બોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. જ્યારે સિંહરાજ અડાનાએ પેરાલિમ્પિક રમતમાં 31 ઓગસ્ટના રોજ પી1 પુરુષ 10 મીટર એર પિસ્ટલ એસએચ1માં બોન્ઝ મેડલ જીત્યો હતો. અવનિની જેમ સિંહરાજે પણ ટોક્યો પેરાલિમ્પિકમાં બે મેડલ પોતાના નામે કર્યાં છે.

એસએચ 1 વર્ગમાં શૂટર્સ એક જ હાથમાં પિસ્ટલ પકડે છે, કારણ કે તેનો એક હાથ અથવા પગમાં વિકાર હોય છે. જે ગંભીર ઈજા અથવા અંગ કપાઈ જવાને કારણે હોય છે. અમુક શૂટર્સ બેસીને તો અમુક ઊભા થઈને નિશાન લગાવે છે.