કોરોના વાયરસ સામેના યુદ્ધમાં ભારતને આજે વધુ એક હથિયાર મળ્યું છે. કોરોના મહામારી સામે દેશમાં ચાલી રહેલી રસીકરણ અભિયાનમાં હવે વધુ એક રસી ઉમેરાઈ છે. ઝાયડસ કેડિલાની કોરોના રસીને સરકાર તરફથી ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે.

ઝાયડસ કેડિલાની covid-19 પ્રતિરોધક વેક્સિન ઝાયકોવ-ડીને તત્કાલીન ઉપયોગ માટે ભારતમાં મંજૂરી મળી છે. ડ્રગ્સ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયા (DCGI) દ્વારા આ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. મહત્વનું છે કે, ઓક્ટોબર મહિનામાં રસીના 1 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે જે ડિસેમ્બર મહિનામાં વધારીને દર મહિને 3 થી 4 કરોડ ડોઝ કરવામાં આવશે.

આ વેક્સિનના ત્રણ ડોઝ લગાવવાના રહેશે તેમજ 12 વર્ષથી ઉપરના બાળકો પણ આ વેક્સિન લઇ શકશે. આ વેક્સીન સોય વગર ફાર્માજેટ ટેકનિકથી મુકવામાં આવશે. મહત્વનું છે કે, ભારતમાં નિર્મિત આ વેક્સિન વિશ્વની પ્રથમ વેક્સિન છે કે જે ડીએનએના આધારે વિકસાવવામાં આવી છે.