સુપ્રીમ કોર્ટમાં જજોની ખાલી પડેલી જગ્યા પર નિમણૂક માટે દેશના કુલ નવ જજોની સુપ્રીમ કોર્ટમાં જજ માટે ભલામણ કરાઈ છે જે પૈકી પહેલી વાર ત્રણ મહિલા જજોના નામની ભલામણ કરાઈ છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બેલાબેન ત્રિવેદીની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક માટે કોલેજીયમે ભલામણ કરી છે. મંગળવારે મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમન્નાની અધ્યક્ષતામાં કોલેજિયમની બેઠક બાદ 9 જજોની નિમણૂકની ભલામણ કેન્દ્રને મોકલવામાં આવી છે.

જાણો કેટલા જજની ભલામણ કરવામાં આવી છે, જેમાં તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હિમા કોહલી, વરિષ્ઠ વકીલ પી.એસ. નરસિંહ, કર્ણાટક હાઈકોર્ટના જજ જસ્ટિસ બીવી નાગરત્ના, ગુજરાત હાઇકોર્ટના જજ જસ્ટિસ બેલા ત્રિવેદી, મદ્રાસ હાઈકોર્ટના જજ એમ.એમ.સુંદરેશ, કેરળ હાઇકોર્ટના જજ જસ્ટિસ સીટી રવિન્દ્રકુમાર, સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જે કે મહેશ્વરી, ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ, કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એએસ ઓકાનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં છેલ્લે સપ્ટેમ્બર ૨૦૧૯માં જજોની નિમણૂક કરાઇ હતી. તે બાદ નિવૃત્ત થઇ રહેલા જજોના સ્થાને નવી નિમણૂક કરાઇ નહોતી. ગત સપ્તાહે જસ્ટિસ આરએફ નરીમન નિવૃત્ત થયા બાદ સુપ્રીમ કોર્ટમાં જજોની ૯ જગ્યાઓ ખાલી પડી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કોલેજિયમ સભ્યો વચ્ચે વૈચારિક મતભેદોને કારણે નામો પર સહમતિ થઇ નહોતી, જેના લીધે નિમણૂકો અટકી પડી હતી.