નર્મદા જિલ્લામાં જિલ્લા પોલીસ વડાથી લઈ મોટાભાગના ઉચ્ચ અધિકારીઓએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. ત્યારે જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને વેક્સિન ફરજીયાત લેવાનું ફરમાન કરતો એક પરિપત્ર તંત્રએ બહાર પાડ્યો છે. પ્રાથમિક શિક્ષકોએ અલગ અલગ સમયે ગ્રુપ મુજબ વેક્સિન લેવાની સૂચના પ્રાથમિક શિક્ષણાધિકારીએ આપી છે. પરિપત્રમાં શિક્ષકોએ કોરોના વેકસીન લેવી ફરજીયાત હોવાનું દર્શાવવામાં આવતા શિક્ષકોમાં કચવાટ ફેલાયો છે. નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શિક્ષકોને કોરોના વેકસીનેસન બાબતે આદેશ આપતા જણાવ્યું છે કે પ્રાથમિક શાળાના શિક્ષકોએ મોટેભાગે વિદ્યાર્થીઓ સાથે જ કામ કરવાનું હોય છે.
વધુમાં જો કોઈ પણ શિક્ષક આ રસિકરણ કાર્યક્રમમાં હાજર રહેતા નથી અથવા તો કોરોના વેકસીન લીધી ન હોય, અને જો ત્યાર બાદ કોઈ પણ વિદ્યાર્થી કોરોના વાયરસથી સંક્રમિત થશે તો એની તમામ જવાબદારી જે તે શિક્ષકની રહેશે.જેણે રસી ન લેવી હોય એ શિક્ષકે સ્વૈચ્છીક ના મંજૂરીનું એક પ્રમાણપત્ર પણ લખીને આપવાનું રહેશે.