ખેડૂત આંદોલન મુદ્દે ભડકાઉ ટ્વિટ્સ કરનારા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવાનો આદેશ સરકારે ટ્વિટરને કર્યો છે. કેન્દ્ર સરકારે ટ્વિટરને પાઠવેલા નોટિફિકેશનમાં કહ્યું હતું કે ખાલિસ્તાન અને અલગતાવાદી સમર્થક ટ્વિટર એકાઉન્ટ્સને બ્લોક કરવામાં નહીં આવે તો સરકાર ટ્વિટરને ભારત સ્થિત અધિકારીઓ સામે આકરા પગલાં ભરશે.
સરકારે ૧૧૭૮ એકાઉન્ટ્સનું લિસ્ટ ટ્વિટરને આપ્યું છે. એ પહેલાં ખેડૂત આંદોલન મુદ્દે ઉશ્કેરણીજનક ટ્વિટ્સ કરવાના આરોપ હેઠળ સરકારે ૨૫૭ એકાઉન્ટ્સ બ્લોક કરવાનો ટ્વિટરને આદેશ કર્યો હતો, પરંતુ ટ્વિટરે એમાંથી થોડાક એકાઉન્ટ્સ સામે જ કાર્યવાહી કરી હતી. એ મુદ્દે પણ સરકારે ટ્વિટર સામે સવાલો ઉઠાવ્યા હતા. કેન્દ્ર સરકારે ટ્વિટર સામે ભેદભાવભર્યું વલણ દાખવવાનો આરોપ મૂકતા કહ્યું હતું કે ખેડૂત આંદોલનના સંદર્ભમાં વિશ્વસ્તરે ટ્વિટરના પ્લેટફોર્મમાં જે વિવાદાસ્પદ ટ્વિટ થઈ તેની સામે પણ ટ્વિટરે કોઈ જ કાર્યવાહી કરી નથી.
કેન્દ્ર સરકારે આઈટી એક્ટ અંતર્ગત આ પગલું ભર્યું હતું. એ કાયદામાં જોગવાઈ છે કે જો સોશિયલ મીડિયા કે ટેકનોલોજીના માધ્યમથી ઉશ્કેરણીજનક કે વાંધજનક ગતિવિધિ થાય તો તેની સામે કાયદેસરના પગલાં ભરી શકાય છે.
કેન્દ્ર સરકારે ટ્વિટર સામે નારાજગી દર્શાવતા કહ્યું હતું કે અત્યાર સુધી ટ્વિટરે આઈટી એક્ટની કલમ ૬૯એના નિર્દેશોનું પાલન કર્યું નથી. જો હજુ પણ એ જ સ્થિતિ રહેશે તો ભારત સરકાર ટ્વિટરના ભારત સ્થિત ઉચ્ચ અધિકારીઓ સામે આઈટી મંત્રાલય પગલાં ભરશે.