કપરાડા તાલુકા મથકે આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ૭૨મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન વિધિ ખેરગામ ચિંતુ બા “છાંયડો ” મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલના ગોલ્ડ મેડા લીસ્ટ સર્જન ડૉ.નિરવભાઈ ભુલાભાઈ પટેલના વરદ્ હસ્તે કરાયું હતું ,જે પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા

કપરાડાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના પટાંગણમાં ૭૨મા પ્રજાસત્તાકદિન ઉજવણી ભાગરૂપે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ભારત દેશના આન-બાનના પ્રતીક સમા ત્રિરંગો ઝંડાને લહેરાવીને સલામી આપ્યા બાદખેરગામ ચિંતુ બા “છાંયડો” મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલના ગોલ્ડ મેડા લીસ્ટ સર્જન ડૉ.નિરવભાઈ ભુલાભાઈ પટેલે વિદ્યાર્થીઓને પ્રજાસત્તાકદિનનો મહિમા સમજાવી ભારતીય બંધારણની ગરિમાથી અવગત કરીને હાકલ કરી હતી કે દેશ આપણા માટે શું કરે છે, તેનો વિચાર કર્યા વગર આપણે દેશ માટે શું કરવું જોઈએ, તે વિચારવું જોઈએ.

જો આપણે સૌ એમ કરીશું અને આપણા સંપર્કમાં આવનાર સૌને એમ કરવા પ્રોત્સાહિત કરીશું તો પ્રજાસત્તાક દિનની ઉજવણી સાર્થક લેખાશે.વધુમા તેમણે વિદ્યાર્થીઓને સમગ્ર ધ્યાન અને તાકાત ભણવામાં કેન્દ્રિત કરવા અને નિષ્ફળતા નિરાશ થયા વગર મંડ્યા રહેવાની હાકલ કરી હતી.તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આપણુ લક્ષ્ય ડૉક્ટર -ઈજનેર બનવા પૂરતું સીમિત ન રાખવું જોઈએ.

આપણે GPSC અને UPSC પરીક્ષા વિષે જાણી આ દિશામાં પણ આગળ વધવું જોઈએ. સૌથી અગત્યની વાત એ છે કે તમે ડૉક્ટર ,ઈજનેર કે કોઈ મોટા ઓફિસર બનતા પહેલા માણસ બનજો.” અહીં આ કાર્યક્રમનુ સફળ આયોજન અને સંચાલન શાળાના આચાર્ય દિનેશભાઈ એન.પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષક ભાઈ- બહેનોએ કરી હતી.