કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી સરહદ પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તેમના સમર્થનમાં મુંબઇના આઝાદ મેદાનમાં આજે સવારથી હજારો ખેડૂતો એકઠા થવા માંડયા હતા. દેશના પાટનગર નવી દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કરવાના હેતુથી આજે મુંબઇમાં પણ કિસાન રેલી યોજવાની જાહેરાત અગાઉ કરાઇ હતી. આઝાદ મેદાનમાં આજે આ હજારો ખેડૂતો પગપાળા ચાલીને રેલી રૂપે રાજભવન જશે અને ત્યાં રાજ્યપાલ ભગત સિંઘ કોશ્યારીને એક આવેદનપત્ર આપશે. આ પહેલાં આઝાદ મેદાનમાં એનસીપીના પ્રમુખ શરદ પવાર, શિવસેનાના આદિત્ય ઠાકરે, કોંગ્રેસના કેટલાક નેતાઓ અને કેટલાક ડાબેરીએા સભા સંબોધવાના છે.
હજારો ખેડૂતોના આગમનથી મુંબઇ પોલીસ અને મુંબઇના રહેવાસીઓ ટેન્શનમાં આવી ગયા હતા. લાખો લોકો રોજ જે વિસ્તારમાં કામધંધા માટે આવજા કરે છે એ વિસ્તાર બોરી બંદર અને ફ્લોરા ફાઉન્ટન જવાના માર્ગો પર આઝાદ મેદાન આવેલું છે. અહીં હજારો ખેડૂતોની હાજરીથી ઠેર ઠેર ટ્રાફિક જામ થવાની શક્યતા હતી.
જો,કે મુંબઇ પોલીસે પરિસ્થિતિને પહોંચી વળવા કમર કસી હતી. મુંબઇ અને મહારાષ્ટ્રમાં શિવસેન, કોંગ્રેસ અને એનસીપીનું ત્રિપક્ષી શાસન છે એટલે આ રેલીમાં ત્રણે પક્ષોના ટોચના નેતાઓ જોડાય એવી શક્યતા નકારી કઢાતી નથી. આ બહાને દરેક પક્ષ રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં પોતાનું સ્થાન સુદ્રઢ કરવાના પ્રયાસો કરેએ સ્વાભાવિક છે. મુંબઇના લોકો તો પ્રાર્થના કરતો હશે કે ખેડૂત રેલી શાંતિપૂર્ણ રીતે પતી જાય તો સારું. આજે વહેલી સવારથી રાજ્યના જુદા જુદા વિસ્તાર ખેડૂતો મુંબઇ તરફ આવતા નજરે પડ્યા હતા.
મળતી માહિતી મુજબ કેટલાક ખેડૂતો રવિવાર રાતથી અહીં ડેરાતંબુ નાખીને પડ્યા હતા. થાણે, લાતૂર, ભિવંડી, પૂણે વગેરે નજીકના વિસ્તારોમાં રહેતા ખેડૂતો તો લોકલ ટ્રેન દ્વારા પણ સહેલાઇથી મુંબઇ પહોંચી શકે છે. આજના રિપોર્ટ મુજબ શરદ પવાર ઉપરાંત મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ અને શિવસેનાના આદિત્ય ઠાકરે પણ ભાષણ કરવાના છે.