ભારતીય ટીમએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ સીરિઝમાં ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. અજિંક્ય રહાણેની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો છે, જે બાદ આજે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો પરત ફર્યા હતા. રહાણે, કોચ રવિ શાસ્ત્રી, રોહિત શર્મા, શાર્દુલ ઠાકુર, પૃથ્વી શો મુંબઇ પહોંચ્યા હતા.

મુંબઇ આવી પહોંચેલા અજિંક્ય રહાણે સહિતના ક્રિકેટર્સનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્રિકેટર્સના સ્વાગત માટે મોટી સંખ્યામાં પ્રશંસકો ભેગા થયા હતા. સોશિયલ મીડિયામાં ટીમ ઇન્ડિયાના સ્વાગતના વીડિયો અને તસવીરો વાયરલ થઇ રહી છે. અજિંક્ય રહાણે પત્ની રાધિકા અને દીકરી સાથે નજરે પડ્યો હતો. આ દરમિયાન ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરાયું હતું. સાથે જ રહાણેએ કેક પણ કાપ્યું હતું. જ્યારે રહાણે, શાસ્ત્રી, રોહિત શર્મા, શાર્દુલ ઠાકુર, પૃત્વી શોનું મુંબઇ ક્રિકેટ સંઘના અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું હતું.

https://twitter.com/StarSportsIndia/status/1352159087295754243?s=20

મહત્વનું છે કે, ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયામાં ઇતિહાસ રચ્યો છે. બ્રિસ્બેનમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે હરાવી ટેસ્ટ સીરિઝ 2-1થી જીતી હતી. બ્રિસ્બેનમાં 32 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. ચાર ટેસ્ટ મેચની સીરિઝ પર ભારતને 2-1થી કબ્જો જમાવવામાં સફળતા મળી હતી. ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર સતત બીજી વાર ટેસ્ટ સીરિઝ જીતી છે. આ પહેલાં વર્ષ 2018-19માં ઓસ્ટ્રેલિયાને ભારતે તેની ધરતી પર ટેસ્ટ સીરિઝ હરાવી હતી.