ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વિડિઓ પર 15 જાન્યુઆરીએ રિલીઝ થયેલી વેબસીરીઝ તાંડવ વિવાદોમાં આવી ગઈ છે. રિલીઝ થવાના થોડા સમયમાં જ આ વેબસીરીઝે ઘણા કારણોસર વિવાદોનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસકરીને સોશિયલ મીડિયામાં આ સીરીઝને લઈ ખૂબ જ આલોચનાઓ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા યૂઝર્સ મેકર્સ પર આરોપ લગાવી રહ્યા છે કે, તેમણે સીરીઝના કેટલાક સીન્સમાં ભગવાન શિવ અને ભગવાન રામનું અપમાન કર્યું છે.
આ મામલામાં ઘણી રાજકીય પાર્ટીઓ પણ કૂદી છે અને તેણે સીરીઝને બેન કરવાની માંગ કરી છે. આ સંબધમાં સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખવામાં આવ્યો છે. તાંડવ વેબ સીરીઝના વિવાદને લઈને સીરીઝમાં મુખ્ય ભૂમિકા નિભાવનારા સૈફ અલી ખાનના મુંબઈ સ્થિત ઘરની બહાર પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે અને તેમની સુરક્ષા વધારવામાં આવી છે.
સૈફ મુંબઈના બ્રાંદ્રા વિસ્તારમાં ફોર્ચ્યૂન હાઈટ્સના નામથી અપાર્ટેમેન્ટમાં રહે છે. તેની બિલકૂલ સામે જ તેણે નવું ઘર ખરીદ્યુ છે જ્યાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. સૈફ સિવાય આ સીરીઝમાં ડિમ્પલ કપાડિયા, ગૌહર ખાન, જીશાન અયૂબ, સુનીલ ગ્રોવર સહિત ઘણા સ્ટાર્સ જોવા મળી રહ્યા છે.