વોટ્સએપે જાહેરાત કરી છે કે, તેણે પ્રાઇવેસી અપડેટ કરવાનો પોતાનો પ્લાન હાલ માટે સ્થગિત કરી દીધો છે. કંપનીનું કહેવું છે કે, તેનાથી યૂઝર્સને પોલિસી વિશે જાણવા અને તેની સમીક્ષા કરવા માટે વધુ સમય મળશે. વોટ્સએપે જણાવ્યું કે, તેનાથી લોકો વચ્ચે ફેલાયેલી ખોટી જાણકારીથી વધતી ચિંતાઓને કારણે પ્રાઇવેસી અપડેટ ટાળવાનો નિર્ણય કર્યો છે. એક બ્લોગ પોસ્ટમાં કહેવામાં આવ્યું કે, અમે તારીખને પાછળ ખસેડી રહ્યાં છીએ. 8 ફેબ્રુઆરીના કોઈપણ એકાઉન્ટ સસ્પેન્ડ કે ડિલીટ થશે નહીં. આ સાથે અમે વોટ્સએપની પ્રાઇવેસી અને સુરક્ષા વગેરેને લઈને ફેલાયેલી ખોટી જાણકારીને લોકોની સામે સ્પષ્ટ કરવાનું કામ કરી રહ્યાં છીએ.

જાણો શું હતો વિવાદ

વોટ્સએપે હાલમાં પોતાના ગ્રાહકોને સેવાની શરતો અને ગોપનીયતાની નીતિ વિશે અપડેટ આપવાનું શરૂ કર્યું હતું. વોટ્સએપે તેમાં જણાવ્યું હતું કે, તે કઈ રીતે યૂઝર્સના ડેટાની પ્રક્રિયા કરે છે અને તેને (ડેટાને) ફેસબુકની સાથે ક્યા પ્રકારે શેર કરે છે. અપડેટમાં તે પણ કહેવામાં આવ્યું કે, વોટ્સએપની સેવા જારી રાખવા માટે યૂઝર્સે 8 ફેબ્રુઆરી 2021 સુધી નવી શરતો અને નીતિથી સહમત થવું પડશે. તેનાથી ઇન્ટરનેટ પર વોટ્સએપના ફેસબુકની સાથે યૂઝર્સની જાણકારીઓને શેર કરવાને લઈને ચર્ચાની શરૂઆત થઈ હતી.

ત્યારબાદ સિગ્નલ અને ટેલીગ્રામ જેવી વિરોધી એપના ડાઉનલોડમાં વૃદ્ધિ જોવા મળી હતી. ટેલ્સાના પ્રમુખ એલન મસ્ક પણ આ ચર્ચામાં કૂદી પડ્યા અને તેમણે લોકોને વોટ્સએપનો ઉપયોગ બંધ કરવાની અપીલ કરી હતી. વોટ્સએપના પ્રમુખ વિલ કૈથાર્ટે એક બાદ એક ટ્વીટ કરી તેના વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

તેમણે કહ્યું કે, કંપનીએ પોતાની નીતિ ‘પારદર્શી હોવા અને પીપલ-ટૂ-બિઝનેસના વૈકલ્પિક ફીચરની જાણકારી આપવા માટે અપડેટ કરી છે. તેમણે કહ્યું, તે સ્પષ્ટ હોવું અમારા માટે મહત્વપૂર્ણ છે કે આ અપડેટ કારોબારી સંબંધિત જાણકારીઓ આપવા માટે છે. તેનાથી ફેસબુકની સાથે ડેટા શેર કરવાની અમારી નીતિઓ પર કોઈ અસર પડશે નહી. પરંતુ લોકોની ચિંતાઓને જોતા વોટ્સએપે પોતાનો પ્લાન રોકવો પડયો છે.