નર્મદા જીલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ પ્રવાસન સત્તા મંડળની રચના કરી હતી. ત્યાર બાદ સરકારે નર્મદા જિલ્લાના શુલપાણેશ્વર અભિયરણ વિસ્તારના 121 ગામોને ઈકો સેન્સેટીવ ઝોનમાં સમાવ્યા અને ખેડૂતોના 7/12 ના ઉતારામાં ઈકો સેન્સેટીવ ઝોનના નામની બીજા હકની કાચી એન્ટ્રી પડાતા વિરોધ ના સુર ઉઠ્યા હતા. પરંતુ હાલ સરકારે કાચી એન્ટ્રીઓ પાડવાની ના પાડી છે અને જે એન્ટ્રીઓ પડી ગઈ છે એ રદ કરવાનો હુકમ કર્યો છે.
આ તમામની વચ્ચે હવે ઈકો સેન્સેટીવ ઝોન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ પ્રવાસન સત્તા મંડળ રદ કરવાની માંગ સાથે કેવડિયા કોલોની ખાતે ઈકો સેન્સેટીવ ઝોન તથા SOU વિસ્તાર વિકાસ પ્રવાસન સત્તા મંડળ હટાવો સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં આદિવાસીઓ અનિશ્ચિત કાળ સુધી ધરણા પર ઉતરી પડ્યા છે. એક તરફ સરકારે કાચી એન્ટ્રીઓ રદ કરી છે ભાજપના સ્થાનિક નેતાઓ નર્મદા જિલ્લાના આદિવાસીઓને સમજ આપી રહી છે, તો બીજી બાજુ સ્થાનિક સ્વરાજ ચૂંટણી પેહલા શરૂ થયેલુ આ આંદોલન ચૂંટણીના પરિણામો પર જરૂર અસર કરશે એવું લાગી રહ્યું છે.
ઈકો સેન્સેટીવ ઝોન-SOU વિસ્તાર વિકાસ પ્રવાસન સત્તા મંડળ હટાવો સમિતિના કન્વીનર ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ઈકો સેન્સેટીવ ઝોન કાયદો અને રેવન્યુ રેકોર્ડમાં ઈકો સેન્સેટીવ ઝોનની એન્ટ્રીઓ પણ રદ કરવામાં આવે. ઈકો સેન્સેટીવ ઝોનના નામે પ્રવાસન વિકસાવવાની બાબતનો તથા કેવડિયાના ૧૪ ગામોને વિસ્થાપિત કરાઈ રહ્યા છે એનો અમે વિરોધ કરીએ છીએ. વધુમાં જણાવ્યું હતું કે સરકારનું પ્રતિનિધિ મંડળ અમારી સાથે વાતચીત કરવા આવશે તો અમે તૈયાર છે પણ જો અમારી માંગો પુરી નહિ થાય તો દેશભર માંથી આદિવાસીઓ અને આદિવાસી સંગઠનના આગેવાનો કેવડિયામાં આવશે, અને અમને અમારી લડતમાં સાથ આપશે. જ્યાં સુધી અમારી માંગો પુરી નહિ થાય ત્યાં સુધી ધરણા બંધ નહિ થાય.
જ્યારે આ સમિતિના સહ કન્વીનર બહાદુર વસાવાએ જણાવ્યું હતું કે સરકારે કહ્યુ છે કે ઈકો સેન્સેટિવ ઝોનની એન્ટ્રી રદ કરવાનું સૂચન આપ્યું છે પણ આ કાયદો તો કેન્દ્ર સરકારે પાસ કર્યો છે. આ એન્ટ્રી રદ કરવા કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને આપેલા હુકમની નકલ તથા ગુજરાત સરકારે નર્મદા કલેકટરને આપેલા હુકમની નકલ તથા નર્મદા કલેકટરે નાંદોદ, સાગબારા, ગરુડેશ્વર અને ડેડીયાપાડા મામલતદારોને એન્ટ્રી રદ કરવા કાયદેસરના હુકમની નકલ જો અમને નહિ આપે ત્યાં સુધી અમે ધરણા ચાલુ રાખીશું. કોર્ટ 31/12/2020 ના રોજ ફક્ત વેલચંડી ગામનોની જ એન્ટ્રી રદ કરવાનો હુકમ કર્યો છે બીજા ગામોની એન્ટ્રી રદ કરતો હુકમ કર્યો નથી. હવે જોવાનું એ રહ્યું કે સરકાર ચુંટણી પહેલા માંગણીઓ સ્વીકારશે કે નહિ!