નવી દિલ્હી: હાલના સમયમાં નવા કૃષિ કાયદાઓ પરત ખેંચવા માટે દિલ્હીની સરહદો પર ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન વધુ ને વધુ ઉગ્ર બનતું દેખાય છે. ખેડૂતો દ્વારા ગઈકાલે દિલ્હીની સરહદો પર ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં હજારો ખેડૂતોએ સમર્થન આપી ભાગ લીધો હતો. આ દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈત દ્વારા મોદી સરકારને ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ મે ૨૦૨૪ સુધી આંદોલન ચલાવવા પણ તૈયાર છે.
વધુમાં તેમણે જણાવ્યું કે ૨૬મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિને પણ ખેડૂતોની ટ્રેક્ટર રેલી નીકળશે. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, ૨૬મી જાન્યુઆરીએ તેઓ ટ્રેક્ટર પરેડ કાઢશે. એક બાજુ ટેન્ક હશે, બીજીબાજુ ટ્રેક્ટર હશે. આજની રેલી ૨૬મી જાન્યુઆરી માટેની પરેડનું ફક્ત ટ્રેલર હતું. પોલીસ અધિકારીનું કહેવું છે કે આ ટ્રેક્ટર રેલીમાં ૨૫૦૦થી વધુ ટ્રેક્ટર જોડાયાનું નોધવામાં આવ્યું છે.
આજે ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે વિજ્ઞાાન ભવનમાં બપોરે ૨.૦૦ વાગ્યે વાટાઘાટો માટે આઠમા તબક્કાની બેઠક યોજવામાં આવશે. આ બેઠક પહેલાં જ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરનું કહેવું છે કે કૃષિ કાયદાઓ પર લેવા સિવાય ખેડૂત સંગઠનોની કોઈપણ દરખાસ્ત પર ગંભીરતાથી વિચારવા માટે સરકાર તૈયાર છે. સરકારના વલણ પર દેશના ખેડૂતો અને જનતાનો શું નિર્ણય હશે એ જોવું રહ્યું.