ભારતીય ટીમ આજે ત્રીજી ટેસ્ટ મેચ રમવા માટે સિડની રવાના થશે. ટેસ્ટ સિરીઝ હાલ 1-1થી બરોબરી પર છે. હવે ટીમ ઈન્ડિયા સંપૂર્ણ તાકાત સાથે ત્રીજી ટેસ્ટ માટે મેદાનમાં ઉતરશે.
હકીકતમાં પાંચ ભારતીય ખેલાડીઓને આઇસોલેટ કરવામાં આવ્યા હતા. આ ખેલાડીઓમાં રોહિત શર્મા, શુભમન ગિલ, નવદીપ સૈની, રિષભ પંત અને પૃથ્વી શો સામેલ હતા. ઓસ્ટ્રેલિયન મીડિયાના રિપોર્ટ પ્રમાણે, આ બધા મેલબોર્નમાં ન્યૂ યરના દિવસે એક રેસ્ટોરન્ટમાં અંદર ભોજન કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ બધાને અલગ કરી દેવામાં આવ્યા હતા અને ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ ભારતીય ટીમ મેનેજમેન્ટ અને બીસીસીઆઈએ નિવેદન જારી કરી ઓસ્ટ્રેલિયન મીડિયાના રિપોર્ટને ખોટો ગણાવ્યો હતા અને કહ્યું કે, ભારતીય ક્રિકેટરોએ કોઈ પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું નથી. બીસીસીઆઈએ નિવેદનમાં કહ્યું, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ અને સહયોગી સ્ટાફના સભ્યોનો 3 જાન્યુઆરીએ કોરોના માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેરાત કરી હતી કે તે બીસીસીઆઈની સાથે મળીને સંયુક્ત તપાસ કરી રહી છે કે આ ખેલાડીઓએ સિરીઝ માટે તૈયાર કરવામાં આવેલ જૈવ સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન તો કર્યું નથીને.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ 7 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. સિડની રવાના થતા પહેલા ભારતીય ખેલાડીઓ સિવાય સપોર્ટ સ્ટાફનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ ટેસ્ટ રવિવારે કરવામાં આવ્યો હતો. હવે માનવામાં આવી રહ્યું છે કે પ્રોટોકોલ તોડવાનો આ કથિત વિવાદ શાંત થઈ જશે. ઓસ્ટ્રેલિયન ટીમ અને સપોર્ટ સ્ટાફનો પણ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.