વલસાડ: હાલમાં કપરાડા તાલુકામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારની ઘટના વધી રહી હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે વધુ એક ઘટના કપરાડાના તાલુકાના માંડવા ગામમાં પાણીની ટાંકી બનાવવામાં અને તેને કાર્યરત ન કરવામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્થાનિક આગેવાનો જણાવી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે છેલ્લા બે વર્ષોથી લોકોના પીવાના પાણી માટે સ્થાનિક આગેવાનો દ્વારા વારંવાર રજૂઆતો કરી હોવા છતાં તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ સ્થાનિક રાજકીય નેતાઓ તેમજ પાણી પુરવઠા વિભાગની અધિકારીઓ એક વાર પણ સમસ્યાના સ્થળની મુલાકાત લીધી નથી કે આ સમસ્યા દુર કરવા માટે કોઈ કાર્યવાહી કરી નથી.
સ્થાનિક લોકોનું કહેવું છે કે 5000 લીટરની પાણીની ટાંકી બનાવનાર કોન્ટ્રાક્ટર લાખો રૂપિયા ચાવ કરી ગયા છે પણ વહીવટી તંત્રએ એમની સામે કોઈ પગલાં લીધા નથી તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગામમાં બનતા કામોમાં મિલીભગત હોવાનું લોકચર્ચા સ્થાનિક ક્ષેત્રમાં ઉઠી રહી છે. સ્થાનિક વિસ્તારના સામાજિક આગેવાનો જેમાં બચુંભાઈ ભગરિયા, ગમનભાઈ અને અશ્વિનભાઈ આ વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે.
કપરાડા તાલુકાના સામાજિક કાર્યકર જ્યેન્દ્ર ગાંવિતને આ બાબતે રજુવાત કરતા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તાલુકા વિભાગના જે તે જવાબદાર અધિકારો દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે એવી ઘણા સમયથી ખાતરીઓ આપવામાં આવી રહી છે પણ હજુ સુધી પરિણામ શૂન્ય છે. જ્યેન્દ્ર ગાંવિતએ જણાવ્યું છે કે આવી તો કપરાડા તાલુકામાં અનેક ગામોમાં પાણીની ટાંકીઓ માત્ર સરકારની યોજનાઓ ખાલી દેખાવો કર્યો છે. લોકો આજે પણ સ્થાનિક વિસ્તારમાં પીવાના પાણી માટે ફાંફા મારી રહ્યા છે.
આમ આ ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે ક્યારે કડક પગલાં ભરવામાં આવશે અને સ્થાનિક વિસ્તારની અધૂરી પાણીની ટાંકીઓ બનાવી લોકોની પાણીની માંગ સંતોષાશે એ આવનારો સમય જ નક્કી કરશે ! ક્યાંક નિર્ણય કરવામાં મોડું થાય અને લોકો પોતાના હક માટે પોતે જ મેદાનમાં ન ઉતરે એ વહીવટીતંત્રએ ધ્યાન રાખવું રહ્યું.