થર્ટી ફર્સ્ટ એટલે માત્ર ડીજેના તાલે નાચવાનું – કુદવાનું જ નહીં, સામાજિક કાર્યો પણ આ પશ્વિમી તહેવારમાં થાય છે. 31 ડિસેમ્બર એટલે વર્ષનો અંતિમ દિવસ, એના પછી નવા વર્ષની શરૂઆત થાય છે. ત્યારે ૩૧ ડિસેમ્બરની ઉજવણી લોકો અલગ અલગ રીતે કરતા હોય છે. આજના સમયમાં લોકો ઉજવણી કરવા માટે સ્પેશિયલ પાર્ટી, ડાન્સ ક્લબ કે ડીજે વગાડીને ઉજવણી કરતા હોય છે. ત્યારે કેટલાક યુવા સામાજિક કાર્યકર્તાઓ જરૂરિયાત મંદ લોકોને જરૂરી વસ્તુઓ આપીને વર્ષના અંતિમ દિવસની ઉજવણી કરતાં હોય છે.
એવું જ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા પારડી તાલુકાના ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ અને સામાજિક કાર્યો માટે સતત ઉપસ્થિત રહેનાર મયંકભાઇ પટેલ અને તેમની ટીમ દ્વારા લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ખેરલાવ અને તેની આસપાસના ગામોમાં જરૂરિયાત મંદ લોકોને ધાબળાનું વિતરણ કરીને એક સમાજમાં અનોખી પહેલ કરી છે.
શિયાળાની શરૂઆત જ કડકડતી ઠંડીથી થઇ ગઈ છે ત્યારે લોકોને ઠંડીથી બચવા માટે ધાબળાઓ આપી માનવતા મહેકાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. મહત્વનું છે કે જ્યારે 31 ડીસેમ્બર અને વર્ષનો અંતિમ દિવસ હોય, જેને લઇને આજના કેટલાક યુવાનો પાર્ટી, ડાન્સ, કે કેક કાપી વર્ષના અંતિમ દિવસની ઉજવણી કરતા હોય છે, ત્યારે એક તરફ એવા પણ યુવાઓ જોવા મળે છે, જેવો આજના દિવસે પાર્ટી, કે ક્લબમાં ડાન્સ કરવાને બદલે સમાજના લોકો માટે ઉમદા હેતુનું કાર્ય કરી રહ્યા છે. યુવાનોમાં સામાજિક કાર્યો કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે.