સમગ્ર વિશ્વ કોરોના મહમામારીનો છેલ્લા આઠ મહિનાથી સામનો કરી રહ્યું છે એવામાં વેક્સિનની શોધ બાદ લોકોને તેમાંથી છુટકારો મળવાની આશા બંધાઈ હતી. એવામાં બ્રિટનના નવા સ્ટ્રેને દેશભરમાં ફફડાટ ફેલાયો છે. જેના કારણે વિદેશથી આવતા તમામ લોકોની કડક ચકાસણી થાય છે. ગુજરાતમાં ઇન્ગલેન્ડથી સુરતના હજીરા આવેલી યુવતી કોરોના સંક્રમિત આવતા તેને અલગ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે આ યુવતી ક્રિસમસ વેકેશનની રજાઓ હોવાને કારણે 10 ડિસેમ્બરના રોજ વાયા દિલ્હીથી સુરત આવી હતી. જે બાદ યુવતી 20 ડિસેમ્બરના રોજ બ્રિટન જવાની હતી તે માટે તે દિલ્હી એરપોર્ટ પણ પહોંચી હતી પરંતુ બ્રિટનની તમામ ફ્લાઇટ રદ થવાને કારણે આ યુવતી પરત સુરત આવી હતી.
આ અંગેની તંત્રને જાણ થતા જ તંત્ર કામગીરી ચલાવીને તપાસ કરી હતી. જેમાં આ યુવતીમાં બ્રિટનના નવા સ્ટ્રેનના લક્ષણો દેખાયા હતા. યુવતી સાથે ઘરમાં રહેતી તેની બહેન, માતા અને પિતાના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં માતા અને બહેન કોરોના પોઝિટિવ આવ્યાં છે.જેના કારણે આ ત્રણેવ દર્દીઓને નવી સિવિલના દસમા માળે આ માટેના અલાયદા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ લોકોના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે.