દેશમાં અમલમાં લવાયેલા નવા કૃષિ કાયદાથી માત્ર ખેડૂતો જ નહીં ભાજપના સહિયોગી રાજકીય પક્ષો પણ નારાજ છે અને એકબાદ એક NDAથી છેડો ફાડી રહ્યા છે. અકાળી દળ બાદ રાજસ્થાનના હનુમાન બેનિવાલના પક્ષ RLPA પણ NDAથી ખુદને અલગ કરી લીધી છે. છેલ્લા ચાર મહિનામાં જ ચાર પક્ષોએ ભાજપનો સાથ છોડી દીધો છે. જ્યારે છેલ્લા છ વર્ષમાં ૧૯ નાના મોટા પક્ષોએ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો સાથ છોડી દીધો છે.
આ વર્ષેમાં જોઈએ તો સપ્ટેમ્બર મહિનામાં ખેડૂતો મુદ્દે ભાજપના સૌથી નજીકના પક્ષ શિરોમણી અકાળી દળે NDAનો સાથ છોડી દીધો હતો. ઓક્ટોબર મહિનામાં પી સી થોમસની આગેવાનીમાં કેરળ કોંગ્રેસે પણ NDAનો સાથ છોડી દીધો હતો. ડિસેમ્બર આવતા આવતા બોડોલેંડ પીપલ્સ ફ્રંટ NDAથી અલગ થઇ ગયું અને હવે માત્ર ચાર જ મહિનામાં ચોથા પક્ષ RLPA પણ NDAને અલવીદા કહી દીધું.
વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફી પરીણામો આવ્યા હતા જે પહેલા જ NDAમાં અનેક પક્ષો સામેલ થઇ ગયા હતા. જોકે બાદમાં ધીરે ધીરે અનેક પક્ષો સાથ છોડતા ગયા. સૌથી પહેલા હરિયાણાથી શરૃઆત થઇ જ્યાંની હરિયાણા જનહિત કોંગ્રેસે NDAનો સાથ છોડયો, કુલદીપ બિશ્નોઇએ લોકસભાની ચૂંટણીના થોડા સમય બાદ NDAને અલવીદા કરી દીધી, ૨૦૧૪માં જ તમિલનાડુમાં MDMKએ પણ ભાજપ પર તમિલો વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવી સાથ છોડી દીધો. તામિલનાડુમાં ૨૦૧૬ની ચૂંટણી પહેલા બે મોટા પક્ષો DMDK, રામદાસની PMKપીએ ભાજપનો સાથ છોડી દીધો.
આંધ્રપ્રદેશમાં અભિનેતા પવન કલ્યાણની પાર્ટી જન સેનાએ પણ ૨૦૧૪માં ભાજપનો સાથ છોડી દીધો હતો. ૨૦૧૬માં કેરળની રિવોલ્યૂશન સોશિયલિસ્ટ પાર્ટીએ પણ ભાજપને અલવીદા કરી દીધુ. ૨૦૧૭માં મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષે મોદી સરકાર પર ખેડૂત વિરોધી હોવાનો આરોપ લગાવી છેડો ફાડયો, નાગાલેંડમાં પીપલ્સ ફ્રંટ, બિહારમાં જીતનરામ માંઝીના હમે પણ ગઠબંધન છોડી દીધુ હતું. ૨૦૧૮માં ભાજપને સૌથી મોટો ઝટકો તેલગુ દેશમ પાર્ટીએ આપ્યો હતો. પશ્ચિમ બંગાળમાંથી ગોરખા જનમુક્તિ મોર્ચા, કર્ણાટક પ્રજ્ઞાાનવથા પાર્ટી, ૨૦૧૯માં RLSPA, ઉત્તર પ્રદેશમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી, જમ્મુ કાશ્મીરમાં PDP, મહારાષ્ટ્રમાં ૩૦ વર્ષ સુધી સાથે રહેનારા શિવસેના વગેરે પક્ષોએ NDAને અલવીદા કરી દીધુ છે. હાલમાં NDAમાં કુલ ૧૬ પક્ષો બાકી રહ્યાનું જાણકારી છે. જેનું કારણ એમના દ્વારા લેવાયેલા નિર્ણયો જવાબદાર હોવાનું રાજકીય જાણકારો માની રહ્યા છે.