આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રાજયના ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજય મંત્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે. તા. 25 ડિસેમ્બર ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસને સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેને અનુલક્ષીને તા. 25 ડિસેમ્બર શુક્રવારના રોજ છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા મથકે તેમજ તમામ મથકોએ સુશાસન દિવસની ઉજવણી માટે આખરી ઓપ અપાય ગયો છે.
જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલની રાહબરી હેઠળ યોજવામાં આવનારા સુશાસન દિવસની ઉજવણી કાર્યક્રમની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ આદરી દેવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત અમલી યોજનાના લાભાર્થીઓને કીટ તેમજ ચેક વિતરણ, કિસાન કલ્યાણ નિધિ અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા બટન દબાવી દેશના આશરે 9 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં ખેડૂત સન્માન નિધિની રકમ જમા કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ વિભાગોની જન કલ્યાણકારી વ્યક્તિલક્ષી યોજનાઓના લાભાર્થીઓને કીટ તેમજ ચેકનું વિતરણ, મંજુરી હુકમોનું વિતરણ કરવામાં આવશે.
સુશાસન દિવસની ઉજવણી કાર્યક્રમને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ બોડેલી ઉપસ્થિત રહી લાભાર્થીઓને કીટ અને ચેકનું વિતરણ કરી માહિતી અને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા બોડેલી ખાતે, ધારાસભ્ય જીતુભાઇ સુખડીયા પાવીજેતપુર ખાતે, ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી સંખેડા ખાતે, પૂર્વ ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા કવાંટ ખાતે અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ ભીલ નસવાડી ખાતે તાલુકાકક્ષાના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી ચેક અને કીટ તથા મંજુરી હુકમોનું વિતરણ કરી માહિતી અને માર્ગદર્શન આપશે એવું આયોજકો તરફથી જણાવાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.