દેશમાં વર્તમાન સમયમાં આજે કિસાન આંદોલન વચ્ચે રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી રહ્યાની માહિતી મળી રહી છે.આપણે જાણીએ છીએ તેમ દિલ્લીમાં છેલ્લા ૨૮ દિવસથી ખેડૂતો કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે આ ત્રણ કાયદાઓથી ખેડૂતોને ઘણો ફાયદો થશે. વચેટિયાઓને નાબૂદ કરવામાં આવશે અને ખેડૂતોની આવક વધશે, ત્યારે ખેડૂતો આ ત્રણેય કાયદાઓને નાબૂદ કરવાની માગણી પર અડગ બન્યા છે.
આજે દેશભરમાં રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવશે. ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહના જન્મદિવસે દર વર્ષે ૨૩ ડિસેમ્બરે રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવવામાં આવે છે. ચૌધરી ચરણસિંહના દ્વારા દેશમાં જમીનદારી પ્રથા નાબૂદ થઇ હતી. તેઓ દેશના જાણીતા અને અગ્રણીય ખેડૂત નેતા હતા. તેમનું રાષ્ટ્રીય રાજકારણમાં યોગદાન નોંધપાત્ર જોવા મળે છે. રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી ૨૦૦૧થી શરૂ કરવામાં આવી છે. ચૌધરી ચરણસિંહે તૈયાર કરેલું જમીનદારી નાબૂદી વિધેયક રાજ્યના કલ્યાણના સિદ્ધાંત પર આધારિત હતું. જેના કારણે જુલાઈ ૧૯૫૨માં ઉત્તર પ્રદેશમાં જમીનદારી પ્રથાનો અંત આવ્યો અને ગરીબોને તેમના અધિકારો મળ્યા હતા.
ખેડૂત નેતા ચૌધરી ચરણસિંહે ૧૯૫૪માં ખેડૂતો માટે ઉત્તર પ્રદેશ જમીન સંરક્ષણ કાયદો પસાર કર્યો અને ૩ એપ્રિલ, ૧૯૬૭ના રોજ યુપીના CM રહ્યા. ત્યાર પછી ૧૭ એપ્રિલ, ૧૯૬૮ના રોજ આ પદ પરથી રાજીનામું આપ્યુ. અને રાજ્યમાં ફરીથી ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીઓમાં તેઓ જીત્યા અને ૧૭ ફેબ્રુઆરી, ૧૯૭૦ના રોજ ફરીથી રાજ્યના CM બન્યા હતા.
વર્તમાનમાં જોઈએ તો દેશમાં છેલ્લા ૨૮ દિવસથી ખેડૂતો સતત આંદોલન કરી રહ્યા છે અને કૃષિ કાયદાઓને નકારવાની માગણી પર અડગ છે. હવે ખેડૂતો આંતરરાષ્ટ્રીય સ્તરે કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યા છે. ખેડૂત નેતાઓએ ખેડૂતોના સમર્થનમાં ભારતીય પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આવતા અટકાવવા માટે ઇંગ્લેન્ડના સાંસદોને પત્રો મોકલ્યા છે. ખેડૂતોએ મોડી સાંજે સરકારને જવાબ આપવાની પોતાની રણનીતિ પણ જાહેર કરી છે. બુધવારે તમામ સંસ્થાઓ સાથે પરામર્શ બાદ જવાબ કેન્દ્રને મોકલવામાં આવશે. એવું લાગી રહ્યું છે કે ખેડૂતોએ નિર્ણય કરી લીધો છે કે નવા બનેલા કૃષિ કાયદા રદ કરવામાં આવે તે સિવાયનો કોઈ પ્રસ્તાવ તેઓ સ્વીકારશે નહિ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.