મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. કેબિનેટની બેઠક પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી જમીન ઉચાપત કાયદાને લઇને મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, આજથી રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ કાયદાનો અમલ શરૂ થશે. આ કેસનો છ મહિનામાં નિકાલ કરવામાં આવશે અને ઓછામાં ઓછી 10 વર્ષની કેદ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, મને જણાવતા આનંદ થાય છે કે, ગુજરાતમાં પહેલી વખત લેન્ડ ગ્રેબિંગ એક્ટની અમલવારી આજથી (16 December) શરૂ કરીએ છીએ. આ કાયદામાં કોઇપણ વ્યક્તિ એની મિલકતમાં કોઇ ગેરકાયદેસર ઘુસી જતા હોય કે બારોબાર દસ્તાવેજ કરી દેતા હોય એ માટેની અસર કારકતા માટે એક વ્યવસ્થા બનાવવામાં આવી છે.
મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે વધુમાં જણાવ્યું કે, કોઇપણ વ્યક્તિ આ ફરિયાદ કલેક્ટરને દસ્તાવેજો સાથે લેખિતમાં કરી શકે છે. જે માટે સાત અધિકારીઓની કમિટિ બનાવવામાં આવી છે .આ કાયદામાં જોગવાઇ એ છે કે, દર 15 દિવસમાં આની રિવ્યૂ મિટિંગ થશે. રેવન્યૂ, પોલીસના કાયદાઓની ચકાસણી કરવામાં આવશે. જો આ ફરિયાદ ગેરવ્યાજબી હશે તો કાઢી નાંખવામાં આવશે અને વ્યાજબી હશે તો આગળ ચલાવવામાં આવશે. દર પંદર દિવસે મિટિંગ થશે અને 21 દિવસમાં આ કમિટિએ નિર્ણય લેવાનો રહેશે કે આ ફરિયાદ વ્યાજબી છે કે નહીં.
સજા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, સાચી ફરિયાદમાં પોલીસને સાત દિવસમાં ફરજિયાત એફઆઇઆર નોંધવાની રહેશે. આ અંગે આપણે વિશેષ અદાલતો બનાવી છે. કોર્ટ છ મહિનામાં ડિસ્ટ્રિક્ટ પ્રમાણે કોર્ટમાં વિશેષ કામગીરી ચાલશે અને નિર્ણય આપવાનો રહેશે. આ કેસમાં આરોપીને સજાની જોગવાઇમાં ઓછામાં ઓછા 10થી વર્ષ કેદની સજા અને વધુમાં વધુ 14 વર્ષની સજા થશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે ગત 20 ઓગસ્ટની આસપાસ યોજાયેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિને રોકવા માટે કડક કાયદો લાવવા અને 14 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવાનો નિર્ણય લીધો હતો. કડક જોગવાઈઓ સાથે, “ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ” નામનો નવો કાયદો લાવવાની દરખાસ્તને કેબિનેટમા મંજૂરી આપવામાં આવી હતી. સરકાર તાત્કાલિક અસરથી સૂચિત કાયદાની જોગવાઈઓ લાગુ કરવા માટે વટહુકમ લાવશે તેવું તે સમયે નક્કી કરાયુ હતું. આ સૂચિત કાયદા હેઠળ, આવા કેસોનો છ મહિનામાં નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા વિશેષ અદાલતો બનાવવાનો નિર્ણય લેવાયો હતો.