પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ગુજરાતમાં તહેવારો દરમ્યાન વધતા જતા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઇને ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનની અપીલના પગલે ગુજરાતના ૨૨૦૦ જેટલા વેપારી એસોશિયનનો સ્વૈચ્છિક રીતે લૉકડાઉન કરી શકે છે અને તેમના ધંધા-રોજગારમાં કામકાજના કલાકોમાં ઘટાડો કરવા વિવિધ વેપારી એસોશિયનનો પણ સમર્થન આપીને અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ રોકવા સહયોગ આપવા આગળ આવી રહ્યા છે.

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા બજારોમાં અવરજવર ઓછી થાય એવું આયોજન કરવા સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર સહિતનાં ગુજરાતનાં વિવિધ શહેરોના વેપારી મહાજનો અને ચેમ્બર ઑફ કૉમર્સને અપીલ કરવામાં આવી રહી છે. આ અપીલના પગલે લાભ પાંચમ-સાતમના મુરત બાદ કામકાજના સમયમાં ઘટાડો કરીને બજારમાં નાગરિકોની અવરજવર ઓછી થાય એ રીતે પ્રયાસો હાથ ધરવા વિવિધ વેપારી અસોસિએશને વિચારણા હાથ ધરી છે.

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ મીડિયાને માહિતી આપતા કહ્યું કે ‘છેલ્લા પાંચેક દિવસથી બજારોમાં ભીડ થઈ ગઈ છે અને કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારે કોરોનાના સંક્રમણને વધતું અટકાવવાના ભાગરૂપે નાગરિકો બજારમાં ઓછા આવે એવો પ્રયાસ કરીને કામકાજના કલાકો ઘટાડવામાં આવશે. એના માટે ગુજરાતનાં  વિવિધ શહેરોમાં વેપારી મહાજનો, ચેમ્બર ઑફ કૉમર્સને અપીલ કરી છે. કોરોના સામે લડવા માટે વેપારી મહાજનો સરકારને મદદ કરી શકે છે.’

વધુમાં તેમણે જણાવ્યું કે અમદાવાદમાં ચાની દુકાનથી લઈને માધુપુરા અનાજ બજાર, લોખંડ બજાર, હાર્ડવેર બજાર, ઑટોમોબાઇલ બજાર કે જ્યાં હોલસેલ બજારમાં ભીડ થતી હોય છે ત્યાંના બજારોના અંદાજે ૪૦ થી ૪૫ હજાર જેટલા વેપારીઓ છે જેઓ તેમના કામકાજના કલાકોમાં ઘટાડો કરીને બજારમાં અવરજવર ઓછી થાય એવું આયોજન કરે એ વિશે પણ જણાવવામાં આવ્યું છે.