બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘કાઈ પો છે’ ફૅમ એક્ટર આસિફ બસરાએ આજ રોજ બપોરના સમયે આત્મહત્યા કરી લીધીના સમાચાર મળ્યા છે. આસિફે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં મેક્લોડ ગંજમાં જોગિબાડા રોડ પર આવેલા એક કેફેની નજીક સુસાઈડ કર્યાની માહિતી પ્રાપ્ત થઇ છે. આસિફે આવું પગલું કેમ ભર્યું, તેની કોઈ પણ પ્રકારની જાણ હજી સુધી સામે આવી નથી.
પોલીસ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. આસિફ છેલ્લાં પાંચ વર્ષથી મેક્લોડ ગંજમાં ભાડાના મકાનમાં રહેતા હતા. અહીંયા તેમની સાથે એક વિદેશી મહિલા મિત્ર પણ રહેતી હતી. પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે.
આસિફે રોજ પાલતુ કૂતરા સાથે ફરવા નીકળ્યા હતા. ઘરે આવીને તેમણે પાલતુ કૂતરાની દોરીથી ગળેફાંસો ખાધો હતો. પોલીસને શરૂઆતની તપાસમાં ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી હોવાનું લાગે છે. કાંગડાના SP વિમુક્ત રંજનના મતે, શરૂઆતની તપાસમાં ડિપ્રેશનની વાત સામે આવી છે. પોલીસ આ કેસની તપાસ આગળ વધારી છે.
આસિફ બસરા ૫૩ વર્ષીય હતા તેમણે ‘પરઝાનિયાં’, ‘બ્લેક ફ્રાઈડે’ ઉપરાંત હોલિવૂડ મૂવી ‘આઉટસોર્સ’માં પણ જોવા મળ્યા હતા. ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’માં ઈમરાનના પિતાનો રોલ પ્લે કર્યો હતો. ૧૯૯૮માં આસિફે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે અનેક ફિલ્મમાં કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આસિફે હિન્દી ફિલ્મોની સાથે સાથે ગુજરાતી ફિલ્મ ‘રોંગ સાઈડ રાજુ’માં પણ કામ કર્યું હતું. આમ એક ઉતમ પ્રકારના કલાકારને ગુમાવ્યાનું બોલિવૂડ અનુભવી રહ્યું છે.