દેશમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. આ સાથે વાયુ પ્રદૂષણની દ્રષ્ટિએ ગુજરાતના ચાર શહેરોને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે સૌથી વધુ પ્રદૂષિત શહેરો તરીકે ઘોષિત કર્યા છે. જેને પગલે રાજ્ય સરકારે હવે લિમિટેડ સમય મર્યાદામા ફટાકડા ફોડવાની પરવાનગી આપી છે. એનજીટીએ જે ચાર શહેરોને સૌથી પ્રદૂષિત ઘોષિત કર્યા છે તેમાં અમદાવાદ સૌથી મોખરે છે. ત્યારબાદ અનુક્રમે સુરત રાજકોટ અને વડોદરા શહેરનો નંબર આપવામાં આવ્યો છે.

     ભારત સરકારે પ્રદૂષણની હાઇએસ્ટ માત્રા વટાવી ચૂકેલા આ ચાર શહેરો માટે ૨૦૨.૫ કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આ ગ્રાન્ટ મોકલીને તેનો વ્યવહારુને યોગ્ય ઢબે ઉપયોગ થાય તેની જવાબદારી સોંપી દેવામાં આવી છે.

    આ મુદ્દે ન્યૂઝ 18 ગુજરાતી એ જ્યારે, જીપીસીબીના સભ્ય સચિવ એ.વી.શાહ સાથે વાત કરી ત્યારે, તેઓએ જણાવ્યું કે હાલ આ ગ્રાન્ટનો પહેલો હપ્તો મળી ચૂક્યો છે અને તેઓએ જે તે શહેરોના કોર્પોરેશનને વાયુ પ્રદૂષણ ઘટાડવાની કામગીરી સોંપી છે. હાલ શહેરમાં વાયુ પ્રદૂષણ માપવાના અને એનો ડેટા એકત્રિત કરવાના સાધનો પૂરતા પ્રમાણમાં જોવા મળતા નથી.

     રાજ્યમાં હવે આ તમામ ગ્રાન્ટમાંથી ૨૪ કલાક સતત એકટીવ રહીને પ્રદૂષણની માત્રા માપે એવા મશીનો વસાવાશે. આ મશીનો દ્વારા પ્રદૂષણનું લેવલ નક્કી થશે. આ સાથે એનો ડેટા સંગ્રહ કરવાની પ્ધ્ધતિ વિકસાવાશે. જેના પરથી રાજ્ય સરકાર આગામી પગલા નક્કી કરશે ગુજરાતના ચાર સૌથી પ્રદૂષિત શહેરો પૈકી અમદાવાદને સૌથી વધુ ૯૧ કરોડની ગ્રાન્ટ ફાળવવામા આવી છે. ત્યારબાદ રાજકોટને ૨૦ કરોડ, સુરતને ૬૫ કરોડ અને વડોદરાને ૨૬ કરોડ ફાળવી દેવાયાની માહિતી મળી રહી છે. હવે આ શહેરો વહીવટદારો શું નિર્ણયો લેશે અને કેટલા પ્રમાણમાં/કેટલા ઝડપી  શહેરોને પ્રદુષણ મુક્ત બનાવવામાં સફળ રહે છે એ જોવું રહ્યું,