ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં કરજણ બેઠક પર પહેલેથી જ ગરમાવો જોવા મળ્યો હતો. અહી અનેક તાલુકામાં ભાજપના ઉમેદવારનો ખુલ્લો વિરોધ જોવા મળ્યો હતો. કારણ કે, ભાજપે આ બેઠક પર કોંગ્રેસમાંથી પક્ષ છોડી આવેલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આજે પેટાચૂંટણીમાં કરજણ બેઠક પર વોટના બદલે નોટ આપવાનો વીડિયો વાયરલ થયો છે. ઈટોલા ગામમાં મતદારોને રૂપિયા વહેંચતો વીડિયો વાયરલ થયો છે. જેની તપાસ માટે ચૂંટણી પંચે આદેશ આપ્યા છે
કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ‘વોટ ના બદલે નોટ’ના વિવાદ પોર ઇટોલા ગામમાં મતદારોને રૂપિયા વહેંચતો વીડિયો વાયરલ થયો છે. ભાજપ ઉમેદવાર અક્ષય પટેલને મત આપવા રૂપિયા આપતાં હોવાનો આ વીડિયો છે. આ વીડિયોમાં રૂપિયા આપનાર શખ્સનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. લોકોને રૂપિયા આપનાર શખ્સ ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને મત આપવા મતદારોને કહી રહ્યો છે. સાથે જ તેઓને 2000 રૂપિયાની નોટ આપી રહ્યો છે. કોંગ્રેસે આ વીડિયો જાહેર કરીને ભાજપ પર મત ખરીદીનો આક્ષેપ લગાવ્યો છે. સાથે જ ચૂંટણી પંચને તપાસ કરવા માંગ કરી છે.
બીજી તરફ, ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે આ વીડિયો અગે કહ્યું કે, વીડિયો મેં જોયો નથી, આ કોંગ્રેસની કરતૂત હોઈ શકે છે. કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો નથી. સમગ્ર વીડિયો મામલે ચૂંટણી પંચ દ્વારા આ વીડિયો અંગે તપાસના આદેશ અપાયા છે. જિલ્લા કલેકટર પાસે સમગ્ર ઘટનાનો રિપોર્ટ ચૂંટણીપંચ દ્વારા માંગવામાં આવ્યો છે.