ભારતીય ક્રિકેટમાં અત્યંત આક્રમક બેટ્સમેન તરીકે જેની ગણતરી થાય છે તે વીરેન્દ્ર સેહવાગ ટેસ્ટ ક્રિકેટમાં પણ એવી જ સ્ફોટક બેટિંગ કરતો હતો. તેણે ટેસ્ટ કરિયરમાં બે વાર ત્રેવડી સદી ફટકારી હતી તો એક વાર તો તે ૨૯૫ રનના સ્કોરે આઉટ થઈ ગયો હતો.
ફેન્સને એવી અપેક્ષા હતી કે સેહવાગ એક વાર બ્રાયન લારાના ૪૦૦ રનના રેકોર્ડને તોડી નાખશે પરંતુ સેહવાગ આમ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. હવે ખુદ સેહવાગ એમ કહે છે કે હાલમાં આઇપીએલમાં રમી રહેલી આઠ ટીમમાંથી બે ટીમના કેપ્ટન એવા છે જે લારાનો રેકોર્ડ તોડવાની ક્ષમતા ધરાવે છે. સેહવાગના મતે ડેવિડ વોર્નર અને રોહિત શર્મા આમ કરી શકે છે.
વેસ્ટ ઇન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાએ ૨૦૦૪ના એપ્રિલમાં ઇંગ્લેન્ડ સામે એન્ટિગુઆ ખાતે રમાયેલી ટેસ્ટમાં એક ઇનિંગ્સમાં અણનમ ૪૦૦ રન ફટકાર્યા હતા. એ વખતે તે ૭૭૮ મિનિટ ક્રિઝ પર રહ્યો હતો અને ૫૮૨ બોલ રમીને તેણે આ ૪૦૦ રન ફટકાર્યા હતા. જેમાં ૪૩ ચોગ્ગા ઉપરાંત ચાર સિકસરનો સમાવેશ થતો હતો.
વીરેન્દ્ર સેહવાગના સ્પેશિયલ શો દરમિયાન પોતાના સેહવાગને એક પ્રશંસકે પૂછ્યું હતું કે અમને લાગતું હતું કે તમે આ રેકોર્ડ તોડી નાખશો પરંતુ હવે કોણ તોડી શકે તેમ છે. ત્યારે સેહવાગે કહ્યું હતું કે ભાઈ, મને પણ લાગતું હતું કે હું આમ કરી નાખીશ પરંતુ નસીબમાં ન હતું કેમ કે મને ડ્રેસિંગરૂમમાં પાછા આવવાની હંમેશાં ઉતાવળ રહેતી હતી. પણ મને લાગે છે કે રોહિત શર્માએ ટેસ્ટ મેચમાં દોઢ દિવસ મળશે તો તે ૪૦૦ રન ફટકારી દેશે. સેહવાગે જણાવ્યું હતું કે બે બેટ્સમેન ડેવિડ વોર્નર અને રોહિત શર્મા એવા છે જેમની પાસે લારાના ૪૦૦ રનનો રેકોર્ડ પાર કરવાની ક્ષમતા છે.એમની ધીરજ અને નિર્ણય શક્તિ ખુબ જ બેટર છે તેઓ એ જરૂર કરી શકશે.